________________
૫૯
તરંગલોલા
હે પ્રફુલ્લ, કોમળ કમળસમા વદનવાળી, પૂર્વને પ્રેમપ્રસંગોમાં વ્યક્ત થયેલા તારા ગાઢ પ્રણયાનુરાગથી જન્મેલી કામનાથી હું જળી રહ્યો છું. અજ્ઞાનરૂપી અંધકારે પરિપૂર્ણ અને વિવિધ યોનિથી ભરપૂર એવા આ જગતમાં પરલોકથી ભ્રષ્ટ પ્રેમીઓને એકબીજા સાથે સંયોગ થવો દુર્લભ હોય છે. તે ચિત્તવાસિની, મિત્રો અને બાંધવોના વિશાળ બળ વડે, ભરચક પ્રયાસ કરીને, હું તારી પ્રાપ્તિ માટે શેઠને ફરીથી પ્રસન્ન કરું, ત્યાં સુધી, હે વિશાલાક્ષી તરુણી, આ થોડોક સમય તું વડીલની પ્રીતિના સુખવાળી કૃપાની આશા ધરતી પ્રતીક્ષા કરજે.” તરંગવતીનો વિષાદ
એ પ્રમાણે, હે ગૃહસ્વામિની, તેના પત્રના વિસ્તૃત અર્થનું તાત્પર્ય ગ્રહણ કરીને, તેનો મધ્યસ્થભાવ હોવાનું જાણીને ખિન્ન બનેલી હું સૂનમૂન થઈ ગઈ. સાથળ પર કોણી ટેકવી ચત્તી રાખેલી હથેળીથી નિરંતર મુખચંદ્રને ઢાંકી, નિશ્ચય નેત્રે, કશાકના ધ્યાનમાં બેઠી હોઉં તેવી દશા હું ધરી રહી.
એટલે ઉચિત વિનયવિવેક કરવામાં વિશારદ ચેટી વિનયપૂર્વક કરકમળ વડે મસ્તક પર અંજલિ રચીને મને કહેવા લાગી, “સુંદરી, ચિરકાળ સેવેલો મનોરથ પૂરનારો, જીવિતને અવકાશ આપનારો, સંતોષને સત્કારનારો, પ્રેમસમાગમ અને સુરતપ્રવૃત્તિના સારરૂપ આ પત્ર તેણે તને મોકલ્યો છે એ તો નક્કી છે. પ્રિયવચનોના અમૃતપાત્ર સમો તે પત્ર તારા શોકનો પ્રતિમલ્લ છે. માટે તું વિષાદ ન ધર ; હે પ્રિયંગુવર્ણી, ભીરુ, સુરતસુખદાયક પ્રિયજનનો સમાગમ તને તરતમાં થશે.' ચેટીનું આશ્વાસન
પણ એ પ્રમાણે કહેતી ચેટીને, હે ગૃહસ્વામિની, મેં કહ્યું, “હે સખી, સાંભળ, શા કારણે મને મનમાં વિષાદ થયો છે તે. મને લાગે છે કે તેના ચિત્તમાં મારા પ્રત્યેનો સ્નેહભાવ કાંઈક મંદ પડ્યો છે, કારણ, તે મારો સમાગમ કરવાની બાબતમાં કાળપ્રતીક્ષા કરવાનું કહે છે.”
એટલે, હે ગૃહસ્વામિની, ચેટીએ વિનયપૂર્વક હાથ જોડીને મને ફરીથી કહ્યું, “હે સ્વામિની, તને મારી વિનંતી છે. તું સાંભળ કે ઉત્તમ પુરુષ કેમ વર્તે છે. કુલીન અને જ્ઞાનસંપન્ન હોવા છતાં જેઓ અનુચિત વર્તનને વારતા નથી તેમનો લોકોમાં ઉપહાસ થાય છે. જેમ યોગ્ય ઉપાય વિના ગાય દોહનારને