________________
તરંગલોલા
અને તે પછી તારો ચિત્રપટ્ટ જોવાથી થયેલું પૂર્વભવનું સ્મરણ, જે રીતે તેં મને કહ્યું હતું, તે બધું તેણે મને કહ્યું. ઉદ્યાનમાંની કમળતળાવડીમાં ચક્રવાકોને જોઈને તને થઈ આવેલા પૂર્વભવના સ્મરણની વાત મેં પણ તેને મૂળથી કહી.
૫૬
તેણે કહ્યું, ‘ચિત્રપટ્ટને જોઈને મારા હૃદયમાં, પૂર્વજન્મના ઊંડા અનુરાગને લીધે એકાએક શોક ઉદ્ભવ્યો. એટલે આખી રાતના ભ્રમણ પછી પ્રિય મિત્રો સાથે પાછા ફરીને મેં, ઉત્સવ પૂરો થતાં ઇંદ્રધ્વજ તૂટી પડે તેમ, પથારીમાં પડતું મૂક્યું.
ઊના નિઃશ્વાસ નાખતો, અસહાય, શૂન્યમનસ્ક બનીને હું મદનથી વલોવાતો, જળમાંના માછલાની જેમ, પથારીમાં તડફડતો હતો.
આડું જોઈ રહેતો, ભમર ઉલાળીને બકવાસ કરતો, ઘડીકમાં હસતો તો ઘડીકમાં ગાતો હું ફરી ફરીને રુદન કરતો હતો.
મને કામથી અતિશય પીડિત અંગોવાળો, નખાઈ ગયેલો જોઈને મારા વહાલા મિત્રોએ લજ્જા તજી દઈને મારી માતાને વિનંતી કરી : ‘જો શ્રેષ્ઠીની પુત્રી તરંગવતીનું ગમે તેમ કરીને તમે માગું નહીં કરો તો પદ્મદેવ પરલોકનો પરોણો બનશે.'
એટલે, પછી મેં જાણ્યું કે આ વાત મારી અમ્મા પાસેથી જાણીને બાપુજી શ્રેષ્ઠીની પાસે ગયા, પણ શ્રેષ્ઠીએ માગું અમાન્ય કર્યું. અમ્માએ અને બાપુજીએ મને સમજાવ્યો, ‘બેટા, એ કન્યા અપ્રાપ્ય હોઈને તેના સિવાયની કોઈ પણ કન્યા તને ગમતી હોય તેનું માગું અમે નાખીએ.’
પ્રણામપૂર્વક તેમનો આદર કરી, ભૂમિ પર લલાટ ટેકવી, અંજલિપુટ રચીને, લજ્જાથી નમેલા મુખે મેં વિનય કર્યો : ‘તમે જેમ આજ્ઞા કરશો તે પ્રમાણે હું કરીશ. એના વિના શું અટક્યું છે ?’ એ પ્રમાણે કહીને મેં વડીલોને નિશ્ચિત કર્યા, અને પરિણામે તેઓ શોકમુક્ત થયા.
એમનાં એ વચનો સાંભળ્યા પછી, હે સુંદરી, મરવાનો નિશ્ચય કરીને હું રાત્રી થવાની પ્રતીક્ષા કરી રહ્યો. તેના સમાગમની આશા ન રહી હોઈને મેં વિચાર્યું, ‘ઘણા લોકો ઉપસ્થિત હોવાથી દિવસે મૃત્યુ ભેટવા આડે મને વિઘ્ન