________________
પપ
તરંગલોલા છે ?'
એ પ્રમાણે તેણે કહ્યું, એટલે તારું પ્રેમકાર્ય પાર પાડવાના કર્તવ્યથી બંધાયેલી હું બોલી, “અમારી સ્વામિનીએ આપને માટે મારી સાથે આ પ્રમાણે વચન કહેવડાવ્યાં છે : “હે કુલચંદ્ર, વિનયભૂષણ, અપયશ-દરિદ્ર, ગુણગર્વિત, યશસ્વી, સર્વ લોકોના ચિત્તમાં પ્રવેશ કરનાર, તું આ નાની શી મારી વિનંતી સાંભળ : “દિવ્યલોકવાસી અપ્સરાસુંદરીઓના સમી, શ્રેષ્ઠી ઋષભસેનની કુંવરી તરંગવતીના હૃદયના મનોરથની વિશ્રાંતિ થાય અને તેનો મનોગત કામભાવ જે રીતે સફળ થાય તે રીતે કરવા આપ કૃપા કરો. ચક્રવાકભવમાં જે તારો પ્રેમસંબંધ હતો તે હજી પણ તેવો હોય, તો તે ધીર પુરુષ, તેના જીવિતને તારા હાથનો આધાર આપ.”
તરંગવતીના કહેવા પ્રમાણે મેં તને તેનો આ મૌખિક સંદેશો કહ્યો. તેની વિનંતીના પિંડિતાર્થ રૂપ આ પત્ર પણ તું સ્વીકાર.” પદ્મદેવનો વિરહવૃત્તાંત
મેં એ પ્રમાણે કહ્યું એટલે સદનને લીધે સર્વાગે કંપતો, ઉદ્વિગ્ન વદન અને નયનવાળો, શોકમિશ્રિત આંસુ સાથે કણસતો, અને એમ ગાઢ અનુરાગ પ્રગટ કરતો તે આંસુથી વાણી રૂંધાયેલી હોવાથી કશો પ્રત્યુત્તર આપી ન શક્યો.
દુઃખમાંથી આશ્વાસન મેળવવા માટે ખોળામાં રાખેલા ચિત્રપટ્ટને તેણે પોતાના આંસુઓથી ધોયો. રુદનથી લાલ આંખે તેણે તે પત્ર લીધો. પોતાની ભમર નચાવતાં ધીમે ધીમે તેણે તે વાંચ્યો. પત્રનો અર્થ ગ્રહણ કરીને પ્રસન્ન, ધીર, ગંભીર સ્વરે તેણે મને મધુર, સ્વસ્થ, સ્પષ્ટાર્થ, અને મિતાક્ષરી વચનો આ પ્રમાણે કહ્યાં :
‘હું અધિક શું કહું? તો પણ ટૂંકમાં એક ખરી વાત કહું છું તે તું સાભળ : જો તું અત્યારે ન આવી હોત તો ખાતરીથી કહું છું કે હું જીવતો રહ્યો ન હોત. સુંદરી, તું અહીં ઠીક વેળાસર અને યથાસ્થાન આવી પહોંચી. તેથી હવે તેના સંગાથમાં મારું જીવન જીવલોકનો સમગ્ર સાર અનુભવશે. ઉગ્ર શરપ્રહાર કરવાવાળા કામદેવે જ્યારે મને ઢાળી દીધો હતો, ત્યારે તારા આ આગમન રૂપી સ્તંભનો આધાર મને મળ્યો છે.”