________________
તરંગલોલા
કુટુંબ સારી રીતે સમૃદ્ધ હોવા છતાં તેમાં રહીને મારી પુત્રીને, પતિના વિયોગમાં એક વેણીએ કેશ બાંધતી, વેદના અને ઉત્કંઠા સહેતી, શણગાર સજવાથી અળગી રહેતી, લગાતાર રુદનથી ભીંજાયેલ રાતી આંખો અને વદનકમળવાળી, પત્ર લખવામાં રત, સાદા જળથી સ્નાન કરતી, ઉત્સવ પ્રસંગે પણ મલિન અંગવાળી — એવી બનીને રહેવું પડે અને એમ જીવનભર, કહોને કે વૈધવ્યના જેવું, ભારે દુ:ખ ભોગવવું પડે. સ્નાન, પ્રસાધન, સુગંધી વિલેપન વગેરેથી તે સદાને વંચિત રહે તેના કરતાં કોઈ દરદ્રને આપવાનું હું પસંદ કરું.”
-
૫૧
આ પ્રમાણે માગાનો અસ્વીકાર થતાં, હસીને તેનો સત્કાર કરવામાં આવેલો હોવા છતાં સ્પષ્ટ રીતે તેની વિડંબના કરવામાં આવી હોઈને તે સાર્થવાહ ખિન્ન ચિત્તે પાછો ફર્યો.
એ પ્રમાણે સાંભળીને હિમપાતથી કરમાયેલી નલિનીની જેમ મારું સોહાગ નષ્ટ થયું, હૃદય શોકથી સળગી ઊઠ્યું અને તે જ ક્ષણે મારી બધી કાંતિ વિલાઈ ગઈ. શોકનો આવેગ કાંઈક શમતાં, આંસું નીગળતી આંખે, હે ગૃહસ્વામિની, મેં ચેટીને રડતાં રડતાં કહ્યું :
‘જો કામદેવા બાણથી આક્રાંત થયેલો તે મારો પ્રિયતમ પ્રાણત્યાગ કરશે તો હું પણ જીવતી નહીં રહું, તે જીવશે તો જ હું જીવીશ. જો પશુયોનિમાં રહીને પણ હું તેની પાછળ મૃત્યુને ભેટી તો હવે તે ગુણવંતના વિના હું કઈ રીતે જીવતી રહું ? તો, સારસિકા, તું એ મારા નાથની પાસે મારો પત્ર લઈને જા અને મારાં આ વચનો તેને કહેજે.'
એ પ્રમાણે કહીને મેં પ્રસ્વેદે ભીંજાતી આંગળીવાળા હાથે પ્રેમથી પ્રેરિત અને પ્રચુર ચાટુ વચનોવાળો પત્ર ભૂર્જપત્ર પર લખ્યો. સ્નાનવેળાના અંગમર્દનની માટીથી મુદ્રિત કરીને તિલકલાંછિત તે લેખ, થોડા શબ્દો અને ઝાઝા અર્થવાળો મેં દાસીના હાથમાં આપ્યો, અને કહ્યું :
‘સારસિકા, તું મારા પ્રિયતમને પ્રેમનો અનુરોધ કરનારાં અને હૃદયના આલંબન રૂપ આ મારાં વચનો કહેજે : ગંગાજળમાં રમનારી જે તારી પૂર્વજન્મની ભાર્યા હતી તે ચક્રવાકી શ્રેષ્ઠીની પુત્રી રૂપે જન્મી છે. તને શોધી કાઢવા માટે તેણે આ ચિત્રપટ્ટ પ્રદર્શિત કર્યો હતો. હે સ્વામી, તારી ભાળ