________________
૪૯
તરંગલોલા
તેનું હરણ કરી લાવીશું.’
એ સાંભળીને તારા પ્રિયતમે કહ્યું, ‘તેને ખાતર, અનેક પૂર્વજોની પરંપરાથી રૂઢ બનેલ કુલીનતા, શીલની જાળવણી વગેરે ગુણોનો તમે લોપ ન કરશો. જો શ્રેષ્ઠી મારી બધી ઘરસંપત્તિના બદલામાં પણ કન્યા નહીં આપે, તો ભલે હું પ્રાણત્યાગ કરીશ, પણ કશું અનુચિત તો નહીં જ આચયું.’ સારસિકાના વૃત્તાંતની સમાપ્તિ
તે પછી તેને વીંટી વળીને મિત્રો ઘર તરફ જવા ઊપડ્યા. તેનું કુળ ચોક્કસ જાણવા માટે હું પણ તેની પાછળ પાછળ ગઈ.
તે પોતાના મિત્રો સાથે એક ઊંચા, વિશાળ, પૃથ્વી પર રહેલા ઉત્તમ વિમાન સમા, સર્વોત્તમ પ્રાસાદમાં પ્રવેશ્યો. ત્યાં તેના પિતા, માતા અને જ્ઞાતિનું નામ ક્રમે કરીને બરાબર જાણી લઈને, મારું કામ પાર પડતાં હું ત્યાંથી સત્વર પાછી ફરી.
આકાશની કોર પરના પ્રદેશમાંથી ગ્રહ, તારા અને નક્ષત્ર અદશ્ય થતાં તે ચૂંટી લીધેલાં કમળવાળા અને સુકાઈ ગયેલા તળાવ સમું લાગતું હતું. બંધુજીવક, જાસૂદ અને કેસૂડાના જેવા વર્ણનો, જીવલોકનો પ્રાણદાતા,
આકાશનો અશ્વ, સૂરજ ઊગ્યો. અત્યારે સૂર્યે ચારેય દિશાઓને સોનેરી બનાવી દીધી છે. હું પણ તને પ્રિય સમાચાર પહોંચાડવા ઉત્સુક બનીને અહીં આવી પહોંચી. સુંદરી, આ પ્રમાણે મેં જે રીતે તેનું પ્રત્યક્ષ દર્શન કર્યું તે તને કહ્યું. તું મારા કહેવામાં વિશ્વાસ રાખજે, હું તારા ચરણની કૃપાના શપથ ખાઉં છું.'
ચેટીએ વાત પૂરી કે તરત જ મેં તેને કહ્યું, ‘તું મને તેના પિતા, માતા અને જ્ઞાતિનું નામ કહે.'
સારસિકા બોલી, ‘સુંદરી, સ્વામિની, એ બાલચંદ્ર સમો પ્રિયદર્શન તરુણ જેનો પુત્ર છે તે ઉન્નત કુલ, શીલ અને ગુણોવાળા સાર્થવાહનું નામ ધનદેવ છે. પોતાની વેપારી પ્રવૃત્તિથી તેણે સમસ્ત સાગરને નિઃસાર બનાવ્યો છે, પૃથ્વીને રત્નરહિત કરી છે, હિમાલયમાં માત્ર પથ્થરો જ બાકી રાખ્યા છે. તેણે કરાવેલાં સભા, પરબ, આરામ, તળાવ, વાવ અને કૂવાઓથી આખા દેશની તથા પરદેશની ભૂમિનાં ગામો શોભે છે. સાગરની મેખલાવાળી સમસ્ત