________________
તરંગલોલા
પર
મળી તેથી ખરેખર તેની કામના સફળ થઈ. હે પરલોકના પ્રવાસી, મારા હૃદયભવનના વાસી, યશસ્વી, તને ખોળતી તારી પાછળ મરણને ભેટીને હું પણ અહીં આવી. ચક્રવાક ભવમાં જેવો પ્રેમસંબંધ હતો, તેવો હજી પણ તું ધરી રહ્યો હોય તો, હે વીર, મારા જીવિત માટે મને તું હસ્તાલંબન આપ. પક્ષીભવમાં આપણા વચ્ચે જે સેંકડો સુખની ખાણ સમો સ્વભાવગત અનુરાગ હતો, જે રમણભ્રમણ હતાં, તે તું સંભારજે.'
મારા બધા સુખના મૂળ સમા પ્રિયતમની પાસે જતી સારસિકાને મેં વ્યથિત હૃદયે આ તેમ જ એ પ્રકારનાં બીજાં વચન કહ્યાં. વળી કહ્યું :
. “સખી, તેની સાથે સુરતસુખનો ઉદય કરનાર મારો સમાગમ, તું સામથી, દાનથી કે ભેદથી પણ કરાવજે. મારું કહેલું અને અણકહેલું, સંદેશા તરીકે આપેલું અને ન આપેલું, જે કાંઈ મારું હિતકર હોય તે બધું તું તેને કહેજે.'
એ પછી, હે ગૃહસ્વામિની, તે ચેટી મારા હૃદયને સાથે લઈને મારા પ્રિયતમની પાસે જવા ઊપડી. ચેટીનું પાદેવને આવાસે ગમન
તેના ગયા પછી મને ચિંતા થવા લાગી. થોડાક સમયમાં સારસિકા પાછી આવી. તેણે મને કહ્યું, “સ્વામિની, તમે મને વિદાય કરી એટલે હું રાજમાર્ગ પર પહોંચી. સુંદર ઘરો વડે શોભતો તે માર્ગે વત્સદેશની આ નગરીની સેંથી સમો વિરાજતો હતો. અનેક ચાચર, ચોક, શૃંગાટક પસાર કરીને હું એક વૈભવથી દીપતા, કુબેરભવન સમા આવાસ પાસે પહોંચી.
હૃદયમાં ડરતી હું બહારના કોઇકના દ્વાર પાસે જઈને બેઠી. અનેક દાસદાસીઓ ભાતભાતની પ્રવૃત્તિઓમાં રચ્યાંપચ્યાં હતાં. તેઓ એમ સમજ્યાં કે હું અહીં મૂકેલી કોઈક નવી દાસી છું. એટલે મને પૂછ્યું, “ક્યાંથી આવી ?”
સાચી વાતને છુપાવવાનું સ્ત્રીઓને સદા સહેજે આવડતું હોય છે. મને જે ભળતું બહાનું તે વેળા સૂઝી આવ્યું તે મેં કહ્યું: “તું આર્યપુત્રને મળી આવ” એવા આદેશ સાથે આર્યપુત્રના દાસે મને અહીં મોકલી છે. હું નવી