________________
તરંગલોલા
૫૦
પૃથ્વીમાં તે ભ્રમણ કરે છે. શત્રુઓના બાધક, પોતાના કુળના યશવર્ધક, વિવિધ ગુણના ધારક, એવા શૂરવીર સાર્થવાહનો તે પુત્ર છે.” સુંદરી, રૂપમાં કામદેવ સમા, આકારે ઇંદ્ર સમા નિત્ય સુંદર તે તરુણનું નામ પદ્મદેવ છે.”
હું ચેટીના વદનકમળની સામે એકી ટશે જોઈ રહી. મેં પ્રેમપિયાસીએ તેના વચનામૃતને મારા કર્ણપુટ વડે પીધું. મેં સારસિકાને કહ્યું, “તારા ધન્ય ભાગ્ય કે તે મારા પ્રિયતમને જોયો અને તેની વાણી સાંભળી.” એમ કહેતી હું ધસીને ચેટીને ભેટી પડી. હાસ્યથી પુલકિત થઈને મેં ચેટીને કહ્યું, “મારો પ્રિયતમ મને સ્વાધીન છે એ જાણીને મારો શોકનો વેગ નષ્ટ થયો છે.”
એ પ્રમાણે આશ્વસ્ત થતાં, હે ગૃહસ્વામિની, હું હરખથી મારા ઘરમાં સમાતી ન હતી. સ્નાન કરી, બલિકર્મ કરી, પૂજનીય અરહંતોને વાંદીને મેં ઉપવાસનું પારણું સુખભર્યા ચિત્તથી કર્યું. હે ગૃહસ્વામિની, ઉપવાસ પારવાના પરિશ્રમને મેં શીતળ આસ્તરણવાળી તળાઈ પર આરામ કરીને હળવો કર્યો. તરંગવતીનું માગું : અસ્વીકાર
તેનો સમાગમ કરવાના વિવિધ મનોરથો સેવતી, તેની હૃદયમૂર્તિ સાથે રમતી, હું પ્રિયથી વ્યાકુળ અવસ્થામાં રહેતી હતી. તેટલામાં એક વાર સારસિકા દાસી મારી પાસેથી ચાલી ગઈ અને કેટલોક સમય રહીને પાછી મારી પાસે આવી. ઊના ઊના નિઃશ્વાસ નાખતી, આંસુથી ઘેરાયેલી આંખે, જેમતેમ આંસુ ખાળીને, મનના પરિતાપ સાથે તે કહેવા લાગી :
“પૃથ્વીમાં ભ્રમણ કરવાવાળો તે સાર્થવાહ ધનદેવ પોતાના બાંધવો અને * મિત્ર સાથે, શ્રેષ્ઠી પાસે તારું માગું કરવા આપણા દીવાનખંડમાં આવ્યો હતો. તેણે કહ્યું, “તમે અમારા પદ્મદેવને તમારી કન્યા તરંગવતી આપો. અમે કહેશો તે મૂલ્ય આપીશું.”
એટલે નિર્દય શ્રેષ્ઠીએ તેની માગણીને નકારતાં, આવાં વિવેકહીન, કટુ વચનો કહ્યાં :
પ્રવાસ જેનું મુખ્ય કર્મ છે, જેનો પોતાના ઘરમાં સ્થિરવાસ હોતો નથી, જે સર્વે દેશોના અતિથિ જેવો છે તેને હું મારી પુત્રી કેમ આપું? સાર્થવાહનું