________________
૨૫
તરંગલોલા
રમણીય પાસરોવરોમાં, રેતાળ કે ટીંબાવાળા મનોહર તીરપ્રદેશોમાં રમણ કરતાં હતા. વનહસ્તી
હવે એક વાર અનેક પ્રકારના પક્ષીઓનાં ગણો અને યુગલો વચ્ચે અમે, રત્નની છે જેવા ભાગીરથીના જળની સપાટી પર રમતાં હતાં.
એ વેળા ત્યાં સૂર્યના તાપે તપ્ત એક મદમસ્ત ગજ નહાવા આવ્યો. રાજ્યલક્ષ્મી જેવા ચંચળ અને દુંદુભિ જેવો મધુરગંભીર શબ્દ કરતા તેના કાન તેના સ્કંધ પર પડતા હતા.
મેઘની જેમ તે ગર્જતો હતો, ગિરિશિખર જેવું સ્થૂળ તેનું શરીર હતું, મંડસ્થળ મટે ખરડાયેલું હતું. શરીર ધૂળથી લિપ્ત હતું.
પોતાના મદપ્રવાહની મનહર, મઘમઘતી સુગંધે વનવૃક્ષોનાં પુષ્પોની સુગંધને હરી લેતો, શરીર પરથી વહેતા, તાજા સપ્તપર્ણના ફૂલ જેવી ગંધવાળા અને વાયુવેગે ચોતરફ છંટાતા મદજળ વડે આસપાસની ધૂળને સુગંધિત કરતો, સાગરની મહિષી ગંગાના વિશાળ પુલિનરૂપી જઘન પર જાણે કે મેખલા રચતો તે ગજરાજ અમે હતા તે તરફ લલિત ગતિએ આવવા લાગ્યો.
ગંગા તેના આગમનથી ડરતી હોય તેમ, ઊઠેલા જબ્બર કલ્લોલોને મિષે જાણે કે દૂર ખસી જવા લાગી.
પાણી પી પીને પછી ધરામાં ઊતરીને તેમાં નિમગ્ન થતો તે સુંદર લાગતો
હતો.
- સૂંઢ વડે તે ચારે દિશાઓમાં અને પોતાની પીઠ પર જળ ઉડાડતો, જાણે કે મલિન જળને સ્વચ્છ કરવાની આતુરતાથી ધરાને ઉલેચી નાખવા તે ઈચ્છતો હોય તેમ લાગતું હતું.
હે સખી ! સૂંઢને જળથી ભરીને તે જળની ધાર ઉડાડતો, તે અગ્રભાગથી ઝરતા નિર્ઝરવાળા ગિરિશિખર સમો શોભતો હતો.
તે સૂંઢ ઊંચી કરતો ત્યારે તેનું રાતા તાળવા, જીભ અને હોઠવાળું મુખ, શુદ્ધ અંજનના ગિરિમાં હિંગળોકની ખાણની ગર્તા જેવું શોભતું હતું.