________________
૪૧
તરંગલોલા
રાત્રીની શરૂઆતમાં આવતું સ્વપ્ન છ માસે ફળ આપે, અર્ધ રાત્રે આવતું સ્વપ્ન ત્રણ માસે, મળસકે આવતું સ્વપ્ન દોઢ માસે, અને સવારે આવતું સ્વપ્ન તરતમાં જ ફળ આપે. નિશ્ચિત અને નિરાંતવા જીવે સૂતેલાને આવતાં સ્વપ્ન ફળ આપનારાં હોય છે. તે સિવાયનાં સ્વપ્ન ફળ આપે કે ન યે આપે.
પર્વતશિખરના આરોહણથી કન્યાને ઉત્તમ રૂપગુણવાળો પતિ મળે. જ્યારે બીજાઓને ધનલાભ થાય. એટલે હે પુત્રી, એક અઠવાડિયામાં તને એ અતિશય આનંદનો પ્રસંગ આવશે. વળી તારું સ્વપ્ન એમ પણ સૂચવે છે કે પતિવિયોગે તારે રડવાનું થશે.” તરંગવતીની ચિંતા
આ સાંભળીને મારા મનમાં થયું : “જો બીજો કોઈ પુરુષ પતિ તરીકે મને મળશે તો મારી જીવવાની ઇચ્છા નથી. જેને હું ચિંતવન કરી રહી છું, તેના વિના મને અહીં ભોગ ભોગવવામાં શો રસ ?” મને એ પ્રમાણે ચિંતા થવા લાગી. પરંતુ વડિલોની સમક્ષ મેં મારા આકારનું ગોપન કર્યું – રખેને મારું અંતર્ગત રહસ્ય પ્રકટ થઈ જાય.
‘એ સારસિકા પાછી ન આવે ત્યાં સુધી તો હું પ્રાણ ધારણ કરીશ. તેની પાસેથી વૃત્તાંત સાંભળીને તે પછી મારાથી જે થઈ શકશે તે હું કરીશ” એમ મેં વિચાર્યું.
બા-બાપુજીએ મને અભિનંદન આપીને મારો સત્કાર કર્યો. ભોંયપથારીએથી ઊઠીને મેં સિદ્ધોને વાંદ્યા. આલોચન કરીને અને રાત્રીના અતીચારની નિંદા કરીને, હાથપગ અને મોં ધોઈને અને ગુરુવંદના કરીને, હે ગૃહસ્વામિની, હું પરિચારકો વિના એકલી જ, સાગરના જેવા “સચિત્ત' (૧. જળચર પ્રાણીવાળા, ૨. ચિત્રવાળા), મણિકાંચન અને રત્નથી શોભતા, અને વિશાળ હમ્મતળ (આગાશી) પર ચઢી. હે ગૃહસ્વામિની, સંકલ્પવિકલ્પ કરતી અને એકાગ્રચિત્તે તે ચક્રવાકને હૃદયમાં ધરતી હું ત્યાં ઊભી રહી.
ત્યાં તો પર્વકાળનો ઉદ્ભાવક, રતાશ પડતા સ્નિગ્ધ અને વિસ્તીર્ણ બિંબવાળો, કિંશુકવરણો, જગતનો સહસ્રરશ્મિદીપ, સૂર્ય, જીવલોકને મસૂણ કુંકુમના દ્રવથી લીંપતો અને કમળસમૂહને વિકસાવતો ઊગ્યો.