________________
૪૩
તરંગલોલા
બેસી મોટા રસાલા સાથે આવતા હોઈને રાજવીઓ જેવા લાગતા હતા.
પરપુરુષની દૃષ્ટિથી અસ્કૃષ્ટ રહેતી ઈર્ષ્યાળુ મહિલાઓ પણ રથમાં બેસીને રાત્રિવિહાર કરવા નીકળી પડી હતી.
કેટલાક તરવરિયા જુવાનડા પોતાની મનની માનેલી તરુણીની સાથે, હાથે હાથ ભીડીને, પગે ચાલતા ફરી રહ્યા હતા.
તો વળી કેટલાક પોતાના મનગમતા ગોઠિયાને મળવાની આતુરતા સેવતા, અવિનયના પિંડ સમા, છેલબટાઉ જુવાનિયા ફરતા હતા.
નગરીમાં આવી પહોંચેલા જનપ્રવાહો, વર્ષાકાળમાં સમુદ્ર તરફ જતી મહાનદીઓના વિપુલ જળપ્રવાહો જેવા, રાજમાર્ગ ઉપર દીસતા હતા.
લાંબા લોકો સુખે જોતા હતા; ઠીંગુજીઓ ઊંચાનીચા થતા હતા ; જાડાઓ માણસોની ભીડથી ધકેલાતા બૂમાબૂમ કરી રહ્યા હતા.
વચ્ચે કાળાશ પડતી નાની શગવાળા, અને વાટમાંથી ખલાસ થયેલા તેલવાળા દીપકો, જાણે માથા ઉપર રહેલી કાળી નાની શિખાવાળા અને નષ્ટ થયેલી સ્નેહવૃત્તિવાળા અધ્યાપકો હોય, તેમ રાત્રી પૂરી થવા આવી હોવાનું સૂચવતા હતા.
જેમ જેમ રાત ગળતી જતી હતી, તેમ તેમ ચિત્રપટને જોવા આવનારા લોકો, આંખ નિદ્રાથી ઘેરાતી હોઈને, ઓછા ને ઓછા થતા જતા હતા.
હું પણ તારી અત્યંત માનનીય આજ્ઞા પ્રમાણે ત્યાં રહીને દીપકને બળતો રાખવાને બહાને લોકોનું નિરીક્ષણ કરતી હતી. એક અનન્ય તરુણ પ્રેક્ષક
એવો દેશકાળ હતો ત્યારે, મનગમતા મિત્રોના વૃંદથી વીંટળાયેલો કોઈક સ્વરૂપવાન તરુણ ચિત્રપટ્ટ જોવા આવ્યો.
તેનાં અંગોના સાંધા દેઢ, સુસ્થિત અને પ્રશસ્ત હતા. ચરણ કાચબા જેવા મૂદુ હતા. પીંડી નિર્મળ માણિક્ય સમી, પ્રશસ્ત હતી.