________________
તરંગલોલા
૪૬
મિત્રો બાજુમાં જ હોવા છતાં, ચિત્રકર્મને જોવામાં તેમનું ધ્યાન ચોટેલું હોઈ તેમને તેના પડ્યાની તરત જાણ ન થઈ.
નિશ્રેષ્ટ બનેલા તેને તેઓએ લેપ્યમય યક્ષમૂર્તિની જેમ ઊંચક્યો, અને લાવીને એક બાજુએ હવાવાળા સ્થાનમાં મૂક્યો. ચિત્રપટ્ટને જોઈને જ એ પડી ગયો છે એવું તેઓ સમજી ગયા. હું પણ તેનું પડવાનું કારણ શું છે તે જાણવાને ત્યાં જઈ પહોંચી.
મારું હૃદય પણ એકાએક સંતોષનો ભાવ અનુભવતું પ્રસન્ન બની ગયું લાભાલાભ અને શુભાશુભની પ્રાપ્તિનું આ નિમિત્ત હોય છે. હું વિચારવા લાગી, “આ જો પેલો ચક્રવાક જ હોય તો કેવું સારું ! તો આ શેઠની પુત્રી પર ખરેખર મોટો અનુગ્રહ થાય. શોકસમુદ્રમાં ડૂબતી, હાથીની સૂંઢ સમા સુંદર ઉરુવાળી તે બાલાને, તો આ ગુણરત્નના નિધિ સમો વર પ્રાપ્ત થાય.”
હું એ પ્રમાણે વિચારતી હતી. તેટલામાં પેલાની તેનો મિત્રોએ આસનાવાસના કરી. ગદ્ગદ કંઠે કરુણ રુદન કરતો તે આ પ્રમાણે બોલવા લાગ્યો :
રુચિર કુંકુમના જેવો વાન ધરતી, સ્નિગ્ધ શ્યામ નેત્રવાળી, મદનબાણે પીડનારી, રે મારી સુરતપ્રિય સહચરી ! તું ક્યાં છે ?
ગંગાના તરંગ પર વિહરતી, પ્રેમની મંજૂષા સમી મારી ચક્રવાકી, તારા વિના ઉત્કટ દુઃખ હું કેમ ધારણ કરી શકીશ ?
પ્રેમ અને ગુણની પતાકા સમી, મને અનુસરવાને સદા તત્પર, મારે માટે સદા અત્યંત માનનીય, હે સુતનુ અરેરે તું મારે ખાતર કેમ મરણને શરણ થઈ ?' એ પ્રમાણે વિલાપ કરતો, આંસુથી ખરડાયેલા વદનવાળો, તે લાજ તજી દઈને, દુઃખથી સર્વાગે આળોટવા લાગ્યો.
અરે ! આ શું! તારું ચિત્તભ્રમ થઈ ગયું છે કે શું?' એ પ્રમાણે બોલતા મિત્રોએ તેને, “આવું જંગધડા વિનાનું ન બોલ' એવું કહીને ધમકાવ્યો.
તેણે કહ્યું : “મિત્રો, મારું ચિત્ત ભમી નથી ગયું.'. તો પછી તું આમ પ્રલાપ કેમ કરે છે?' તેઓએ કહ્યું