________________
તરંગલોલા
સૌ સ્નાનશણગાર કરી, ભોજન પતાવીને વેળાસર પાછી આવી જજો, હોં, મારે જરા નગરમાં જવાનું છે, કાંઇક તાકીદનું અનિવાર્ય કામ છે, પણ તમે કશી ચિંતા ન કરશો.' એ પ્રમાણે તે બધીને સારું લાગે તેમ કહ્યું. ઉજાણીના આનંદોત્સવમાં સ્ત્રીઓને કશો અંતરાય ન પડે એ દૃષ્ટિએ અમ્માએ પોતાનું નગરીમાં પાછા ફરવાનું ખરું કારણ ન જણાવ્યું. સાથેના સૌ રક્ષકો, દેખરેખ રાખનારા વૃદ્ધો અને કંચુકીઓને પોતપોતાના કાર્યમાં બરોબર સાવધ રહેવાનું કહીને, થોડાક પરિવારને અને અનુભવી પરિચારકોને સાથે લઈને તે વાહનમાં બેસીને અમ્મા મારી સાથે નગરીમાં આવી.
૩૩
વાસભવનમાં તળાઈ અને તકીયાવાળા શયનમાં હું બેઠી. ગળાનો મોતીનો હાર, માળા, કાનનું કુંડળયુગલ, કટિમેખલા એ બધું કાઢીને મેં દાસીને સોંપ્યું.
એટલે અમ્માએ મારા બાપુજીને કહ્યું, ‘તરંગવતીના શરીરમાં તોડ છે. માથું પણ દુખે છે. એટલે ઉદ્યાનમાં તેને વધુ રહેવાનું ગોઠ્યું નહીં. જેના નિમિત્તે હું ઉદ્યાનમાં ગઈ, તે સપ્તપર્ણનું વૃક્ષ સરોવરની સમીપમાં ઊગેલું અને ઢંકાઈ ગયેલું મેં જોયું. સૌ સ્ત્રીઓને ઉદ્યાનમાં રમણભ્રમણ કરવામાં કશું વિઘ્ન ન થાય એ હેતુથી મેં મારા પાછા ચાલી આવવાનું સાચું કારણ તેમને નથી જણાવ્યું.’ એ વચન સાંભળીને મારા પર પુત્રો કરતાં પણ વધુ સ્નેહબંધવાળા બાપુજી અધિક વ્યાકુળ અને દુઃખી થયા.
વૈદરાજનું આગમન
અમ્માની સલાહથી વૈદ્યને બોલાવ્યો. તે વિવેકબુદ્ધિવાળો અને પોતાની વિદ્યાના ગુણે આખા નગરમાં પ્રખ્યાત હતો; ઉત્તમકુળમાં જન્મેલો, ગંભીર સ્વભાવનો અને ચારિત્ર્યવાન હતો; શાસ્ત્રનો જાણકાર હતો; અને તેનો હાથ શુભ, કલ્યાણકારી અને હળવો હતો.
બધા પ્રકારની વ્યાધિઓના લક્ષણ, નિદાન અને નિગ્રહમાં તથા તેને લગતા પ્રયોગવિધિમાં કુશળ એવો તે વૈદ્ય નિરાંતે આસન પર બેસીને મને પૂછપરછ કરવા લાગ્યો. ‘મને કહે, તને વધારે કષ્ટ શેનાથી થાય છે તાવથી કે માથાના દુ:ખાવાથી ? તું વિશ્વાસ રાખ. આ ઘડીએ જ તારું કષ્ટ હું દૂર કરી દઈશ. તેં ગઈ કાલે ભોજનમાં શું લીધું હતું ? તને ખાધેલું બરાબર.
―――――