________________
તરંગલોલા
સારસિકા મારા દુઃખ અને શોકથી સંતપ્ત થઈને કેટલાયે સમય સુધી રડતી રહી. પછી તે રડતાં રડતાં મને કહેવા લાગી, ‘અરેરે સ્વામિની ! મેં જાણ્યું, તારું આ પ્રિયવિરહનું દુ:ખ કેવું હૈયું બાળી નાખે તેવું છે તે. પોતે પૂર્વે કરેલાં કર્મોરૂપી પાપવૃક્ષોનાં કડવાં ફળો કાળે કરીને પરિપકવ થતાં હોય છે. હે સ્વામિની, તું વિષાદ તજી દે ; દેવતાની કૃપાથી, હે ભીરુ, તારા તે ચિરપરિચિત પ્રિયતમની સાથે તારો સમાગમ થશે જ.'
૩૨
એ પ્રમાણે અનેક મીઠાં વચનોથી આશ્વાસન આપી, મનાવીને તેણે મને સ્વસ્થ કરી તથા જળ લાવીને મારાં આંસુ પખાળ્યાં. તે પછી, હે ગૃહસ્વામિની, દાસીની સાથે તે કદલીમંડપમાંથી બહાર નીકળીને હું જ્યાં અમ્માની સમીપમાં અમારો પરિચારક વર્ગ વિહરી રહ્યો હતો, ત્યાં પહોંચી.
પ્રિયમિલન
ઉજાણીએથી પ્રત્યાગમન
પછી વાવને કાંઠે બેઠેલી અને સ્નાન, શણગાર વગેરે કરવામાં રચીપચી અમ્માને જોઈને હું તેની પાસે ગઈ. ભૂંસાઈ ગયેલી બિંદીવાળું, સહેજસાજ બચેલા આંજણ યુક્ત રાતાં નયનવાળું, ખિન્ન બનેલું અને પ્રભાતકાળના ચંદ્ર સમુ ફીકું એવું મારું વદન જોઈને વિષાદ પામતી અમ્માએ કહ્યું, ‘બેટા, ઉદ્યાનમાં ભમવાના થાકને લીધે તું કરમાયેલી ઉત્પલમાળાના જેવી શોભાહીન બની ગઈ કે શું ?’
એટલે પ્રિયતમના વિયોગે દુઃખી, સર્વસ્વ હરાઈ ગયું હોય તેવી હું આંસુ ભરેલી આંખે બોલી, ‘મારું માથું દુઃખે છે.’
‘તો બેટા, તું નગરમાં પાછી જા.'
‘મારાથી એક ડગલું પણ દઈ શકાય તેમ નથી. મને તાવ ચડ્યો છે.'
એ વચન સાંભળીને અત્યંત ખિન્ન બનેલી મારી વત્સલ માતાએ કહ્યું, ‘તું સ્વસ્થ થાય તે પ્રમાણે કરીશું. હું પણ નગરીમાં ન આવું, તો આવી દુર્દશામાં તને એકલી કેમ મુકું ? મારી પુત્રી આખા કુળનું સર્વસ્વ છે.’
એ પ્રમાણે કહીને પુત્રી પ્રત્યેના અતિશય સ્નેહવાળી અમ્માએ શયનવાળું એક ઉત્તમ વાહન મારે માટે જોડાવ્યું. પછી પેલી મહિલાઓને તેણે કહ્યું, ‘તમે