________________
૩૧
તરંગલોલા
વૃત્તાંતની સમાપ્તિ
એ પ્રમાણે હે ગૃહસ્વામિની, પ્રિયતમના અને મારા મરણનો વૃત્તાંત કહેતાં કહેતાં પ્રગટેલા દુ:ખને લીધે હું મૂર્છિત થઈને ઢળી પડી. પાછી ભાનમાં આવતાં, મન અને હૃદયથી વ્યાકુળ બની મેં ધીરે ધીરે સારસિકાને કહ્યું : તે વેળા મૃત્યુ પામીને પછી હું આ કૌશાંબી નગરીમાં સર્વગુણસંપન્ન શ્રેષ્ઠીના ઘરમાં જન્મી. આ જળતરંગોમાં શરદના અંગ સમાં, ચક્રવાકોને જોઈને, હે સખી, મને તીવ્ર ઉત્કંપ પ્રગટ્યો. ચક્રવાકોનાં યુગલ જોવામાં હું તલ્લીન હતી, ત્યારે એકાએક મારા હૃદયસરોવરમાં મારો એ ચક્રવાક ઊતરી આવ્યો. અને હે સખી, અનેક ગુણે રુચિકર એવો મારો ચક્રવાકીનો ભવ અને તે ભવમાં જે બધું ભોગવ્યું અને જે તને મેં હમણાં કહી બતાવ્યું તે સાંભરી આવ્યું. મારી એ સ્મૃતિને કારણે પ્રિયતમના વિયોગની કરુણ કથની મેં તને સંક્ષેપમાં કહી.
ભાવિ જીવન અંગે નિશ્ચય
તને મારા જીવતરના શપથ છે જ્યાં સુધી મને તે મારા પ્રિયતમનું પુનર્મિલન ન થાય ત્યાં સુધી તું આ વાત કોઈને પણ કહીશ નહીં. જો આ લોકમાં કેમેય કરીને તેની સાથે મારો સમાગમ થશે તો જ, હે સખી, હું માનવી સુખભોગોની અભિલાષા રાખીશ. સુરતસુખની સ્પૃહા રાખતી હું આશાપિશાચીને વિશ્વાસે, તેને મળવાની લાલચે સાત વરસ પ્રતીક્ષા કરીશ. પરંતુ સખી, ત્યાં સુધીમાં જો તે મારા હૃદયમંદિરના વાસીને નહીં જોઉં, તો પછી જિન-સાર્થવાહે ખેડેલા મોક્ષમાર્ગમાં હું પ્રવ્રજ્યા લઈશ. અને પછી હું એવું તપ આચરીશ જેથી કરીને, સાંસારિક બંધનોવાળાની ઉપર સહેજે આવી પડતું પ્રિયજનનું વિરહદુઃખ હું ફરી કદી ન પામું. હું શ્રમણત્વરૂપી પર્વત પર નિર્વિઘ્ને આરોહણ કરીશ, જેથી કરીને જન્મ, મરણ વગેરે સર્વે દુઃખોનું વિરેચન થઈ જાય.
―――
હે ગૃહસ્વામિની, એ પ્રમાણે મારામાં અત્યંત આસક્ત અને સ્નેહવશ દાસીને મેં મારી કથની કહી શોકને હળવો કર્યો.
ચેટીનું આશ્વાસન
એ કથની સાંભળીને, મારા પ્રત્યેના વાત્સલ્યથી કોમળ હૃદયવાળી