________________
૨૯
તરંગલોલા
અંતરે રહેલો તું ત્યારે પણ મને દેશાંતરે ગયા સમો લાગતો.
તું મારે માટે અદશ્ય બનતાં હવે મારું આ શરીર શું કામ ટકી રહ્યું છે ? પ્રિયના વિયોગનું દુઃખ નિરંતર હોય છે.
દહન
પેલો વનગજ પાછો ચાલ્યો જતાં તે વનચર મારા સહચરને વીંધાયેલો જોઈને હાય હાય કરતો ત્યાં આવી પહોંચ્યો. હાથ ધુણાવતો, મોટા શોકપ્રવાહ સમો તે વ્યાધ, જ્યાં મારો પ્રિયતમ મરેલો પડ્યો હતો તે સ્થળે આવ્યો. પ્રિયતમના પ્રાણઘાતક કાળ સમા ભીષણ એવા તેને જોતાં જ ભયવ્યાકુળ બનીને હું ઝડપથી આકાશમાં ઊડી ગઈ.
પછી તેણે ચક્રવાકને ઝાલીને તેમાંથી પોતાનું બાણ ખેંચી કાઢ્યું, અને મરી ગયેલો જાણીને તેને રેતાળ કાંઠા પર અનુકંપાથી મૂક્યો. મારા પ્રિયતમને ચંદ્રકિરણ જેવા શ્વેત તટ પર નાખીને તે નદીની આજુબાજુ કાષ્ઠ શોધવા લાગ્યો.
એ વનચર લાકડાં લઈને પાછો આવે તે દરમિયાન હું પ્રિયતમના પડખામાં લપાઈને બેઠી. ‘હાય નાથ ! હું તને આ છેલ્લી વાર જ જોવાની. એક ઘડીમાં તો તું સદાનો દુર્લભ બની જઈશ.’ એમ હું વિલાપ કરવા લાગી.
ત્યાં તો તે વનચર જલદી લાકડાં લઈને મારા પ્રિયતમની પાસે આવી પહોંચ્યો. એટલે હું પણ ઝડપથી ઊડી ગઈ.
હાથમાં દારુ (લાકડાં) સાથે તે દારુણને જોઈને હું વિચારવા લાગી કે આ દુષ્ટ મારા પ્રિયતમને આનાથી ઢાંકી દઈને બાળી નાખશે. મનમાં એ પ્રમાણે વારંવાર વિચારતી દુ:ખથી સંતપ્ત બનીને પાંખો વીંઝતી હું મારા
પ્રિયતમની ઉપર ચોતરફ ભ્રમણ કરવા લાગી.
પછી તેણે ધનુષબાણ તથા ચામડાંની કૂપી બાજુ પર મૂકીને મારા પ્રિયતમને બધાં લાકડાંથી ઢાંકી દીધો. પછી વ્યાધે બાણ સાંધીને અરણિમાં અગ્નિ પ્રગટાવ્યો અને ‘તને સ્વર્ગ મળજો' એમ મોટે અવાજે ઘોષણા કરી. ધુમાડાવાળા અને જ્વાળાથી પ્રકાશતા તે અગ્નિને પ્રિયતમની ઉપર છવાયેલો જોઈને, જેમ દાવાનળે વન સળગી ઊઠે, તેમ હું એકદમ શોકથી સળગી ઊઠી. કૃતાંતે પાડેલી આપત્તિથી સંતપ્ત બનીને હું મારી નિરાધાર જાત પર રોવા લાગી,