________________
તરંગલોલા
અને વિલાપ કરતી હૃદયથી પ્રિયતમને સંબોધીને આ પ્રમાણે કહેવા લાગી
દહનવેળાનો ચક્રવાકીનો વિલાપ
સરોવર, સરિતા, વાવ, જળતટ, તળાવ, સમુદ્ર અને નવાણોમાં ઉલ્લાસથી જેણે રમણ માણ્યું તે તું આ દારુણ આગ શું સહી શકીશ ?
આ પવનબળે આમતેમ ઘૂમતી જ્વાલાવલીથી પ્રકાશતો અગ્નિ તને બાળી રહ્યો છે તેથી હે કાન્ત, મારા અંગો પણ બળુંબળું થઈ રહ્યાં છે.
મને પ્રિયતમના સંયોગમાંથી આમ વિયોગ કરાવીને હવે, લોકોના સુખદુ:ખની પારકી પંચાતનો રસિયો કૃતાંત ભલે ધરાતો.
લોખંડનું બનેલું આ હૈયું તારી આવી વિપત્તિ જોવા છતાં ફાટી ન પડ્યું, તો એ દુઃખ ભોગવવાને જ લાયક છે.
પ્રિયતમને પડખે રહીને આવી આગ મારાથી સો વાર પણ સહેવાય, પણ આ પ્રિયવિયોગનું દુઃખ મારાથી સહ્યું જતું નથી. સહગમન
એ પ્રમાણે વિલાપ કરતાં કરતાં અતિશય શોકથી ઉત્તેજિત થઈને સ્ત્રીસહજ સાહસવૃત્તિથી મારા મનમાં મરવાનો વિચાર આવ્યો. અને તે સાથે જ હું નીચે ઊતરી અને પ્રિયના અંગના સંસર્ગથી શીતળ એવી આગમાં, પહેલાં હું હૃદયથી પડી હતી, તે હવે મારા શરીરથી પડી.
આમ જેને પ્રિયતમના શરીરનો સંપર્ક હતો તેવા, મારા કંઠના જેવા કુંકુમવર્ણા અગ્નિમાં, મેં જેમ મધુકરી અશોકપુષ્પના ગુચ્છ પર ઝંપલાવે, તેમ ઝંપલાવ્યું.
ઘુરઘુરરાટ કરીને સળગતો સોના જેવી પિંગળી શિખાવાળો અગ્નિ મારા શરીરને બાળતો હોવા છતાં, પ્રિયતમના દુઃખથી પીડાતી હોવાથી મને કશું લાગ્યું નહીં.
એ પ્રમાણે, હે સારસિકા, મારા પહેલાં મૃત્યુ પામેલા મારા પ્રિયતમના શોકાગ્નિની જ્વાળાએ ઉદીપ્ત તે અગ્નિમાં હું બળી મરી.