________________
તરંગલોલા
જળમાં મજ્જન કરતાં, જળ પ્રવાહને અનેક રીતે ડખોળતાં અને જળ પીતાં તેણે અમને સૌ પક્ષીઓને ઉડાડ્યાં. દૂર ઊડી ગયા છતાં અમારો ભય જતો ન હતો. નાહીને શાતા અનુભવતો હાથી પોતાની ઇચ્છા અનુસાર પાણીની બહાર નીકળ્યો.
૨૬
વ્યાધ
તે વેળા પ્રાણીઓને મારીને પોતાનો જીવનનિર્વાહ ચલાવતો એવો એક જુવાનજોધ વ્યાધ ત્યાં આવી પહોંચ્યો.
જંગલી ફૂલોની માળા તેણે મસ્તક પર વીંટી હતી.
હાથમાં ધનુષ્યબાણ સાથે તે કાળદંડ ધારણ કરેલા યમરાજ સમો લાગતો
હતો.
તેના અડવાણા પગ થાંભલા જેવા હતા.
પગના નખ ભાંગેલા અને આડાઅવળા હતા.
પગની આંગળીઓ ઊપસેલા હાડકાવાળી અને મેળ વગરની હતી.
સાથળ ઊપસેલાં હતાં.
છાતી ખૂબ વિશાળ હતી.
બહુ વારંવાર ધનુષ્ય ખેંચવાના મહાવરાથી કઠોર બનેલા હતા.
દાઢીમૂછ રતાશ પડતાં અને વધેલાં હતાં.
મોઢું ઉગ્ર હતું.
આંખો પીંગળી અને રાખોડી હતી.
દાઢો લાંબી, વળેલી, ફાટેલી અને પીળાશ પડતી ભૂખરી હતી. ખભા પ્રચંડ હતા.
ચામડી પવન અને તાપના મારથી કાળી અને કકર્શ બનેલી હતી. વાણી કઠોર હતી.