________________
તરંગલોલા
દાસીએ વિનવણી કરતાં કરતાં મને કહ્યાં. એટલે ઊઠીને મેં તેને કહ્યું, ‘તુ બીશ નહીં, નથી મને અજીર્ણ થયું, નથી મને ભારે શ્રમ પડ્યો કે નથી મને કશું કરડી ગયું.' તે બોલી, ‘તો પછી એમ કેમ થયું કે ઉત્સવ પૂરો થયે જેમ ઇંદ્રધ્વજની યષ્ટિ પટકાય તે રીતે તું મૂર્છાવિકળ અંગોએ ભોંય પર ઢળી પડી ? હે સુંદરી, મને કશી સમજ નથી પડતી એટલે તને પૂછી રહી છું, તો તું તારી આ દાસીને રજેરજ વાત કર.'
તરંગવતીનો ખુલાસો
એટલે, હે ગૃહસ્વામિની, તે મરકતમણિના ગૃહ સમા કદલીગૃહમાં નિરાંતે બેઠાં બેઠાં મેં સારસિકાને મધુર વચને વાત કરી. ‘હે સખી, હું મૂર્છા ખાઈને શા કારણે ઢળી પડી, તેની કથની ઘણી લાંબી છે. હું તને ટૂંકમાં કહી સંભળાવું છું. સાંભળ. તું અને હું સાથે જ જન્મ્યાં, સાથે જ ધૂળમાં રમ્યાં અને આપણે સાથોસાથ સુખદુઃખ ભોગવ્યાં છે; વળી તું તો મારું બધું રહસ્ય જાણે છે. એટલે જ હું તને આ વાત કહું છું. હે પ્રિય સખી, જે તારા કર્ણદ્દારમાં પ્રવેશે છે, તે તારા મુખમાંથી બહાર ન નીકળે તેની તું સંભાળ રાખે છે, તેથી જ તો હું આ વાત તને કહું છું. હું તને મારા જીવતરના સમ દઉં છું, તું મારું આ રહસ્ય કોઈને પણ ન કહેતી.’
૨૨
આ પ્રમાણે જ્યારે મેં સારસિકાને શપથથી બાંધી લીધી ત્યારે તે મારે પગે પડીને કહેવા લાગી, ‘તું કહે છે તેમ જ કરીશ. હું ઇચ્છું છું કે તું તારી આ વાત મને કહે. હે વિશાલાક્ષિ, હું તારા ચરણના અને મારા જીવતરના શપથ ખાઉં છું કે તું જે કહીશ તે હું પ્રગટ નહીં જ કરું.'
મેં કહ્યું, ‘હે સારસિકા, તું મારા પ્રત્યે અનુરાગવાળી છે તેથી તને વાત કરું છું. મારું કોઈ પણ એવું રહસ્ય નથી જે મેં તને ન કહ્યું હોય. પૂર્વે મેં જે દુઃખ અનુભવ્યું છે તેથી મારી આંખોમાંથી આંસુ વરસી રહ્યાં છે. તીવ્ર વેદના ફરીથી સહેવાના ભયે હું કહેતાં અંચકાઉંછું. પણ તું સાંભળ, સાંભળતાં ખિન્ન કે વિહ્વળ ન બનતી પ્રિયવિરહનાં કારુણ્યવાળી સર્વ સુખદુ:ખની પરંપરા હું વર્ણવું છું. સાંભળવાનું તને ખૂબ કુતૂહળ છે, તો હું અહીં નિરાંતે બેઠાં બેઠાં શોકથી વિષણ અને ગળતાં નેત્રે મારી કથની કહું છું.
—