________________
૧૭
તરંગલોલા અમે સરળ ગતિએ રાજમાર્ગ પર થઈને જવા લાગ્યાં. હું વિવિધ હાટોવાળા, વિશાળ, અનેક શાખાઓમાં ફંટાયેલા, લક્ષ્મીના મોંઘામૂલા સારરૂપ, નગરના રાજપથને જોવા લાગી. હે ગૃહસ્વામિની, ભીડેલી જાળીયુક્ત કમાડવાળાં ઘરો, જોવાની રસિયણ યુવતીઓને લીધે જાણે કે વિસ્ફારિત લોચને મને જોઈ રહ્યાં હતાં. જોવાને ઉત્સુક રસ્તા પરના લોકો મને વાનરૂપી વિમાનમાં બેઠેલી લક્ષ્મીની જેમ પસાર થતી અનિમિષ નેત્રે જોતાં હતાં.
વળી તે વેળા મને જોઈને રાજમાર્ગ પરના નગરના તરુણોનાં હૈયાં મન્મથની શરજાળથી જાણે કે બળી રહ્યાં હતાં. રમણ કરવાનો યોગ કેમ પ્રાપ્ત કરવો એવા મનોરથ કરતા તેઓ એક પળમાં તો પ્રાણસંશય થાય તેવો તીવ્ર તલસાટ અનુભવવા લાગ્યા. અપ્સરા જેવી રૂપાળી યુવતીઓને પણ મારું રૂપ જોઈને એવું રૂપ પ્રાપ્ત કરવાના મનોરથ ઉદ્ભવ્યા. મારું રૂપ, સૌકુમાર્ય અને હાવ વડે રમણીય શીલ જોઈને રાજપથ પરના સૌ લોકો જાણે કે અન્યમનસ્ક બની ગયા.
વિશાળ રાજપથ પર થઈને અમે જતાં હતાં ત્યારે ત્યાં પ્રસરી ગયેલી સુગંધથી લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. લોકોની આ પ્રકારની વાતો સાંભળી મારી દાસીઓ અમે નગરમાંથી બહાર નીકળી ગયાં ત્યારે પાછળ દોડી આવીને મને કહી ગઈ.
એ રીતે ઉદ્યાનમાં પહોંચીને મહિલાઓ વાહનોમાંથી ઊતરી. રક્ષકગણને ઉદ્યાનની સમીપના ભાગમાં નિકટમાં જ સ્થાપિત કર્યો. ઉદ્યાનદર્શન
બે સખીઓ સહિત હું પણ ગાડીમાંથી ઊતરી, અને બીજી મહિલાઓની સાથે મેં એ સુંદર ઉદ્યાનમાં પ્રવેશ કર્યો. ઉદ્યાનનાં કોટ તથા દ્વાર ઉત્તુંગ અને શ્વેત હતાં. પુષ્પિત તરુવરોથી તે ભરચક હતું. નંદનવનમાં અપ્સરાઓ વિહરે તેમ તે ઉદ્યાનમાં મહિલાઓ વિહરવા લાગી.
તે ઉપવનને નીરખતાં નીરખતાં તેઓ પર્ણગુચ્છોથી સભર સૌંદર્યધામ સમાં વૃક્ષોના પુષ્પગુચ્છો ચૂંટવા લાગી. એટલામાં અમ્માએ કહ્યું, “ચાલો, ચાલો, આપણે સપ્તપર્ણને જોઈએ ; કુંવરીએ એના ફૂલ પરથી સૂચવ્યું હતું