________________
૧૯
તરંગલોલા
વડે વારવામાં આવતાં તો ઊલટાં તેઓ વધુ ને વધુ નિકટ આવી લાગ્યા – માનું છું કે પવનથી હલતાં પલ્લવોથી જાણીતા હોઈને તેઓ ડરતા ન હતા.
ભ્રમરભ્રમરીનાં ટોળાંને લીધે હું પ્રફુલ્લ ચમેલી સમી દેખાતી હતી. મને ડરથી પ્રસ્વેદ વળી ગયો, હું થરથરવા લાગી અને મેં મોટેથી ચીસ પાડી. પરંતુ મત્ત ભ્રમરભ્રમરીનાં ટોળાંના ઝંકારમાં અને જાતજાતના પક્ષીઓના ભારે ઘોઘાટમાં મારી ચીસનો અવાજ ડૂબી ગયો. ઘોડાની લાળથી પણ વધુ ઝીણા ઉત્તરીય વડે ભ્રમરોને વારીને અને મુખ ઢાંકી દઈને હું તેમના ડરથી નાઠી. દોડતા દોડતાં, કામશરોના નિવાસ સમી, ચિત્રવિચિત્ર રત્નમય મારી મેખલા મધુર રણકાર સાથે તૂટી પડી. અતિશય ભયભીત થયેલી હોઈને, હે ગૃહસ્વામિની, હું તૂટી પડેલી મેખલાને ગણકાર્યા વિના મહામુશ્કેલીએ ભ્રમરોથી મુક્ત એવા કદલીમંડપમાં પહોંચી ગઈ. સપ્તપર્ણ
એટલે ત્યાં એકાએક દોડી આવીને ગૃહદાસીએ મને આશ્વાસન આપીને કહ્યું, “હે ભીરુ, ભમરાઓએ તને દૂભવી તો નથીને?” તે પછી ફરતાં ફરતાં મેં પેલા સપ્તપર્ણના વૃક્ષને જોયું.
એ કમળસરોવરમાંથી ઊડીને આવતા ભ્રમરગણોનું આશ્રયસ્થાન હતું. શરદઋતુના પ્રારંભે બેઠેલાં પુષ્પોથી છવાઈ ગયું હતું. સરોવરતીરના મુકુટરૂપ હતું. ભ્રમરીઓનું પિયર હતું. ભ્રમરરૂપી લાંછનવાળા ધરતી પર ઊતરી આવેલા પૂર્ણચંદ્રરૂપ હતું.
સૌ મહિલાઓ ફૂલ ચૂંટવામાં રત હોઈને ઘડીક ભેળી થઈ જતી તો ઘડીક છૂટી પડી જતી. એ વૃક્ષને ઘણો સમય નીરખીને પછી મારી દષ્ટિ કમળસરોવર તરફ ગઈ. કમળસરોવર
સુવર્ણવલયથી ઝળહળતા ડાબા હાથે દાસીને અવલંબીને હું તે કમળસરોવર જોઇ રહી :