________________
તરંગલોલા
સુગંધી ઘીથી તર કરેલી અને ચટણી, પાનક વગેરેથી યુક્ત. હે ગૃહસ્વામિની, પછી મને બીજા પાત્રમાં હાથ ધોવરાવ્યા અને સુગંધી ક્ષૌમ વસ્ત્રથી મારા હાથ લૂછ્યા. પછી મેં હાથપગનો શણગાર સજવાના હેતુથી ઘી અને તેલનો સ્પર્શ કર્યો.
૧૫
કાલે તો ઉજાણીએ જઈશું એમ જાણીને ઘરની યુવતીઓનાં મુખ પર અંતરના ઉમંગની ઘોષણા કરતું હાસ્ય છવાઈ ગયું. ત્યાં તો જેમાં
સમાપ્ત થઈ છે દિનભરની પ્રવૃત્તિ,
પ્રાપ્ત થઇ છે ચક્ષુને વિષય-નિવૃત્તિ, જેને લઈ ને થતી કર્મથી નિવૃત્તિ અને નિદ્રાની ઉત્પત્તિ,
એવી આવી પહોંચી રાત્રી.
અંધારાને ફેડતો દીપક પાસે રાખી શયનમાં હું સૂતી અને મારી એ ચાંદનીચીતરેલી રાત્રી સુખે વીતી.
ઉજાણી
મેં હાથ, પગ અને મોં ધોયાં, અરહંતો અને સાધુઓને વંદન કર્યાં, લઘુ પ્રતિક્રમણ કર્યું અને ઉજાણીએ જવા હું ઉત્સુક બની ગઈ. ઉજાણીએ જવા ઉતાવળી હોઈને યુવતીઓ અને પુત્રવધૂઓએ પણ ત્યારે ગયેલી રાતને ‘કેમેય વીતતી ન હતી' એમ કહીને ઘણી ભાંડી હતી. કેટલીકોએ તો ‘ઉજાણીએ જઇશું, શું શું જોઈશું, કેવી નાહીશું' વગે૨ે મનોરથોની પરસ્પર વાતો કરીને આખી રાત જાગરણમાં જ ગાળી હતી.
તૈયારી
રસોઈયા, રક્ષકો, કામવાળા, કારભારીઓ અને પરિચારકો ભોજનની તૈયારી માટે સૌની પહેલાં ઉદ્યાને પહોંચી ગયા. ત્યાં તો એકાએક ગગનમાર્ગનો પથિક, પૂર્વદિશાના વદનકમળને વિકસાવનાર, જપાકુસુમ સમો રક્ત સૂર્ય ઊગ્યો. મહિલાઓએ રંગબેરંગી, ભાતભાતનાં, મહામોંઘાં પટ્ટ, ક્ષૌમ, કૌશિક અને ચીનાંશુક વસ્ત્ર લીધાં, કસબીઓએ કલાકુશળતાથી બનાવેલાં, સોના, મોતી અને રત્નનાં ઉત્તમોત્તમ આભૂષણ લીધાં. સૌંદર્યવર્ધક, સૌભાગ્યસમર્પક, યૌવન-ઉદ્દીપક પ્રસાધન લીધાં.