________________
તરંગલોલા
દેવલોક! ત્યાં બ્રાહ્મણો, શ્રમણો, અતિથિઓ અને દેવો પુજાતા હતાં, તેથી સંતુષ્ટ થયેલા દેવો ત્યાંનાં કુટુંબોમાં પુષ્કળ ધનવર્ષા કરતા હતા. તે નગરીના રહેવાસી ગુણલિષ્ઠ શ્રમણ પાદલિપ્તની બુદ્ધિનું આ સાહસ તમે અવિક્ષિપ્ત અને અનન્ય ચિત્તે, મનથી સાવધાન થઈને સાંભળો. બુદ્ધિ દૂષિત ન હોય, તો આ પ્રાકૃત કાવ્ય રૂપે રચેલી ધર્મકથા સાંભળજો : જે કોઈ કલ્યાણકા૨ક ધર્મનું શ્રવણ કરે છે તે જમલોકન દર્શનથી બચે છે.
કથાપીઠ
ર
મગધદેશ
મગધ નામે દેશ હતો. ત્યાંના લોકો સમૃદ્ધ હતા. ઘણાં બધાં ગામો અને હજારો ગોઠોથી તે ભરપૂર હતો. અનેક કથાવાર્તામાં એ દેશના નામની ભારે ખ્યાતિ હતી. તે નિત્ય ઉત્સવોના આવાસરૂપ હતો; પરચક્રનાં આક્રમણો, ચોરો અને દુકાળથી મુક્ત હતો : બધાં જ પ્રકારની સુખસંપત્તિવાળો તે દેશ જગપ્રસિદ્ધ હતો.
રાજગૃહ નગર
રાજગૃહ નામની તેની રાજધાની પ્રત્યક્ષ અમરાવતી સમી હતી. ધરતી પરનાં નગરોમાં રાજગૃહ મુખ્ય હતું. તેમાં અનેક રમણીય ઉદ્યાનો, વનો અને ઉપવનો હતાં.
કુણિક રાજા
ત્યાં કુણિક નામે રાજા હતો. તે વિપુલ સેના અને કોશથી સંપન્ન હતો. શત્રુઓના જીવિતનો કાળ અને મિત્રો માટે સુકાળ હતો. તેણે યુદ્ધમાં પરાક્રમ કરીને બધા વિપક્ષી સામંતોને હરાવ્યા અને નમાવ્યા હતા. તેણે બધા પ્રકારના અપરાધોને પ્રસરતા રોક્યા હતા. તે પોતાના કુળ અને વંશના આભૂષણરૂપ અને શૂરવીર હતો. જેમના રાગ અને દ્વેષ વિલીન થઈ ગયા છે તેવા તીર્થંકર ભગવાન મહાવીરના શાસનમાં તે અનુરક્ત હતો : એ શાસન, જરા અને મરણથી મુક્તિ અપાવનારું હતું.
નગરશેઠ
તે સમયે ધનપાલ નામે ત્યાંનો નગરશેઠ હતો, જે સાક્ષાત્ ‘ધન-પાલ’ હતો. તે સૂક્ષ્મ જીવોનો પણ રખવાળ હતો; સર્વ પ્રજાજનોનો પ્રીતિપાત્ર