________________
xvi
વસ્તુસંવિધાન, પાત્રચિત્રણ, ભાવનિરૂપણ (ચક્રવાકીનો વિલાપ, તરંગવતીની વિરહવેદના, નૌકામાં નાઠા પછીના તરંગવતીના મનોભાવ વગેરે) અને પરિસ્થિતિઆલેખનની કુશળતા ઉપરાંત, ‘તરંગવતી’માં પ્રકટ થતી પાદલિપ્તની વર્ણનશક્તિ અને શૈલીસામર્થ્ય પણ તેને એક મૂર્ધન્ય સાહિત્યકાર તરીકે સ્થાપે છે. સાધ્વીરૂપે તરંગવતી, તેનું બાલ્ય, શરદઋતુ, ઉઘાનયાત્રા (પ્રયાણ, ઉદ્યાન, સપ્તપર્ણ, ભ્રમરબાધા, સરોવર, ચક્રવાકો), ગંગા, ચક્રવાકમિથુનનું પ્રણયજીવન, કૌમુદીમહોત્સવ, ચિત્રપટ્ટ, ચોરપલ્લી, ગ્રામીણ જીવન, નગરયાત્રા વગેરેના વાસ્તવિક, જીવંત, કલ્પનાપંડિત ચિત્રો કથાના ઉપલબ્ધ સંક્ષિપ્ત સ્વરૂપમાં પણ ઘણી હૃદ્યતા ધરાવે છે, તો વર્ણનસમૃદ્ધિ કેવી હશે તેની તો અટકળ જ કરવાની રહે છે.
મૂળ કથાની
તરંગવતીના અલંકારો આયાસમુક્ત અને મૌલિક કલ્પનાના સંસ્પર્શવાળા હોઈને અનેક સ્થળે ચારુતાના પોષક બને છે. ઉપમા, રૂપક, ઉત્પ્રેક્ષા, સ્વભાવોક્તિ વગેરેનાં સંખ્યાબંધ ઉદાહરણોમાંથી અનેક સ્મૃતિમાં જડાઈ જાય તેવાં હોઈને પાદલિપ્તની સૂક્ષ્મ સૌંદર્યદૃષ્ટિની તથા સાહિત્યિક પરંપરા સાથેના જીવંત અનુસંધાનની દ્યોતક છે. યમક અને અનુપ્રાસના વિષયમાં કવિ સિદ્ધહસ્ત હોવાનું પણ સહેજે જોઈ શકાય છે. સેંકડો ગાથાઓમાં યમક કે અનુપ્રાસ અલંકાર સહજતાથી પ્રયોજાયો છે. અને આમ છતાં કૃતિમાં અલંકારપ્રચુરતા, સમાસપ્રચુરતા કે પાંડિત્યનો બોજો કશે વરતાતો નથી એ હકીકત પાદાલિમની ભાષાશક્તિ અને ઔચિત્યદૃષ્ટિ પ્રગટ કરે છે.