________________
તરંગલોલા
ઘરવાસમાં ભોગવેલાં સુખો, પૂર્વનાં કૃત્યો અને ક્રીડાઓ, પાપયુક્ત હોઈને તેમને મનમાં લાવવાં પણ યોગ્ય નથી, તો વાણીથી કહેવાની તો વાત જ કેવી ? તેમ છતાં પણ એવા વૃત્તાંતનું કથન સંસાર પ્રત્યે જુગુપ્સા જન્માવી શકે. તો એ કારણે, હું રાગદ્વેષથી મુક્ત રહી મધ્યસ્થભાવે આત્મવૃત્તાંત કહીશ. તો તમે મારા કર્મવિપાકનું ફળ સાંભળો.”
એ પ્રમાણે તેણે કહ્યું એટલે તે ગૃહિણી તથા રમણીઓ રાજી રાજી થઈ ગઈ, અને શ્રવણાતુર બનીને સૌએ આર્યાને વંદન કર્યા. શ્રમણી તે બધી સ્ત્રીઓને પોતાના પૂર્વભવનાં કર્મના વિપાકરૂપ સમગ્ર કથા કહેવા લાગી. ઋદ્ધિ અને ગૌરવ રહિત થઈને, ધર્મમાં જ દૃષ્ટિ રાખીને, મધ્યસ્થભાવે પ્રત્યક્ષ સરસ્વતી સમી આર્યા બોલી : હે ગૃહિણી, જે કાંઈ મેં અનુભવ્યું છે, જે કાંઈ મેં સાંળળ્યું છે અને જે કાંઈ મને સાંભરે છે તેમાંથી થોડુંક પસંદ કરીને હું સંક્ષેપમાં વર્ણવું છું, તો તું સાંભળ. જ્યાં સુધી નરસાને નરસું કહીએ, સારાને સારું કહીએ – એટલે કે યથાર્થ વાત કરીએ ત્યાં સુધી તેમાં નિંદા કે પ્રશંસાનો દોષ આવતો નથી.
કથામુખ વત્સદેશ
ભારતવર્ષના મધ્યમ ખંડમાં વત્સ નામનો રમ્ય અને સર્વગુણસંપન્ન જનપદ છે : રત્નોનું ઉદ્ભવસ્થાન, મોટા મોટા જાણકારોનું સમાગમસ્થાન, મર્યાદાઓનું આદિસ્થાન, ધર્મ, અર્થ અને કામનું ઉત્પત્તિક્ષેત્ર.
સુખના જેવો પ્રાર્થનીય, વિદગ્ધોના નિર્ણય જેવો રમણીય, નિર્વાણના જેવો વાસયોગ્ય, અને ધર્મપાલનના જેવો ફલપ્રદ. કૌશાંબીનગરી
તેમાં છે નગરી નામે કૌશાંબી. તે હતી ઉત્તમ નગરજનોનું વાસભવન, દેવલોકનું વિડંબન, જનગણમનનું આલંબન.
મધ્યદેશની લક્ષ્મી શી, અન્ય રાજધાનીઓના આદર્શરૂપ, લલિત અને સમૃદ્ધ જનસમૂહ વાળી, તે યમુનાનદીને તીરે વિસ્તરી હતી.