________________
તરંગલોલા
લાલસાવાળી મારી અનિમિષ દૃષ્ટિ હું ક્યાંય પણ સ્થિર કરી શકતી નથી. આર્યાના અસામાન્ય કાંતિવાળા અને મનને પ્રસન્નતાથી ભરી દેતા રૂપનો તો અપ્સરાઓને પણ મનોરથ થાય ! મને લાગે છે કે અમારી દાનવૃત્તિથી આકર્ષાઈને સાક્ષાત્ ભગવતી લક્ષ્મી જ કમળવન તજી, સાધ્વીનો વેશ ધરીને અમારે ઘરે પધારી છે.
૫
પણ લોકોમાં કિંવદંતી છે કે બધા જ દેવતા અનિમિષ હોય, તેમની ફૂલમાળા કદી કરમાય નહીં, તેમનાં વસ્ત્રોને રજ ન લાગે. વિકુર્વણાશક્તિથી દેવો નાનાવિધ રૂપો ધારણ કરે ત્યારે પણ, કહે છે કે તેમનાં નેત્ર ઉન્મેષનિમેષ વિનાનાં હોય છે. પરંતુ આ આર્યાનાં ચરણ તો ધૂળવાળાં છે, અને લોચન પણ ઉઘાડમીંચ થાય છે. માટે આ દેવી નથી, પણ માનવી છે. અથવા તો મારે આવી શંકાઓ શું કામ કરવી ? એને જ હું કોઈ નિમિત્તે પૂછી જોઉં હાથી નજરે દેખાતો હોય ત્યાં પછી તેનાં પગલાં શું કામ શોધવા
જવું ?
એ પ્રમાણે મનથી ઠરાવીને આર્યાના રૂપ અને ગુણના કુતૂહલ અને વિસ્મયથી પુલકિત થયેલ ગાત્રવાળી ગૃહિણીએ તેને કહ્યું, ‘આવ, આર્યા, તું કૃપા કર : જો તારા ધર્મને બાધા ન આવતી હોય તો, અને શુભ પ્રવૃત્તિ થતી હોય તો મને તું ધર્મકથા કહે.'
ધર્મકથાનો મહિમા
એ પ્રમાણે શેઠાણીએ કહ્યું એટલે આર્યા બોલી, ‘જગતના સર્વ જીવોને હિતકર એવો ધર્મ કહેવામાં કશી બાધા નથી હોતી. જે અહિંસાલક્ષણ ધર્મ સાંભળે છે તથા જે કહે છે, તે બંનેનાં પાપ ધોવાઈ જાય છે અને તેઓ પુણ્ય પામે છે. જો શ્રોતા ઘડીક પણ બધો વેરભાવ તજી દે અને ધર્મકથા સાંભળીને નિયમ ગ્રહણ કરે તો તેનું શ્રેય કથા કહેનારને પણ મળે છે. અહિંસાલક્ષણ ધર્મ કહેનાર પોતાને તથા સાંભળનારને ભવસાગરના પ્રવાહમાંથી તારે છે. આથી ધર્મકથા કહેવી એ પ્રશંસનીય છે. તો જે કાંઈ હું જાણું છું તે હું કહીશ, તમે એકાગ્ર ચિત્તે સાંભળો.'
એટલે આર્યાને નિહાળતી પેલી બધી સ્ત્રીઓ એકમેકને હાથતાળી દેતી બોલવા લાગી, ‘અમારી મનકામના પૂરી થઈ : આ રૂપસ્વિની આર્યાને અમે