________________
તરંગલોલા
ઉદયન રાજા
ત્યાં ઉદયન નામનો સજ્જનવત્સલ રાજા હતો. તેનું બળ અપરિમિત હતું, યુદ્ધમાં તેના પરાક્રમ અને પ્રતાપની ખ્યાતિ હતી. તે હતો મિત્રોનું કલ્પવૃક્ષ, શત્રુવનનો દાવાનળ, કીર્તિનો આવાસ. તે સુભટસમૂહથી વીંટળાયેલો અને ગ્લાધ્ય હતો.
તે કાંતિમાં જાણે પૂર્ણચંદ્ર, સ્વરમાં જાણે હંસ, ગતિમાં જાણે નરસિંહ હતો. અશ્વ, ગજ, રથ અને સુભટ એમ ચતુરંગ સેનાની પ્રચુરતા વાળા હૈહયકુળમાં તે જન્મ્યો હતો.
ઉત્તમ કુળ, શીલ અને રૂપવાળી વાસવદત્તા હતી તેની પત્ની : જાણે કે સર્વ મહિલાગુણોની સંપત્તિ, જાણે કે રતિસુખની સંપ્રાપ્તિ. નગરશેઠ
શ્રેષ્ઠીઓની શ્રેણીમાં જેનું આસન પ્રથમ રહેતું એવો નગરશ્રેષ્ઠી ઋષભસેન તે રાજાનો મિત્ર અને સર્વકાર્યમાં સાક્ષી હતો. તે અર્થશાસ્ત્રમાં નિપુણ અને તેના તાત્પર્યનો જાણકાર હતો. અન્ય સર્વ શાસ્ત્રોમાં પણ તે નિષ્ણાત હતો. બધા પુરુષગુણો અને વ્યવહારોના તે નિકષરૂપ હતો.
તે સૌમ્ય, ગુણોનો આવાસ, મિત, મધુર, પ્રશસ્ત અને સમયોચિત બોલનારો, મર્યાદાયુક્ત ચારિત્ર્યવાળો અને વિસ્તીર્ણ વેપારવણજ વાળો હતો.
સમ્યગદર્શન વડે તેની બુદ્ધિ વિશુદ્ધ થયેલી હતી. પ્રવચનમાં તે સંશયરહિત શ્રદ્ધા વાળો હતો. જિનવચનનો શ્રાવક અને શુચિ મોક્ષમાર્ગને અનુસરનારો હતો.
તે મોક્ષના વિધાનનો જાણકાર હતો ; જીવ અને અજીવનું તેને જ્ઞાન
હતું.
તે વિનયમાં દત્તચિત્ત, નિર્જર, સંવર અને વિવેકનો અતિ પ્રશંસક, પુણ્ય અને પાપની વિધિનો જાણકાર અને શીલવ્રતના ઉત્તુંગ પ્રાકાર સમો હતો.
તે પોતાના કુળ અને વંશનો દીપક, પ્રજાજનો અને દીનદુ:ખીનું શીતગૃહ, લક્ષ્મીનો મધ્યાવાસ, ગુણરત્નોનો ભંડાર તથા ધીર હતો.