________________
XV
પરંપરામાં પાદલિપ્ત અને “તરંગવતી'ની વારંવાર જે ભારે પ્રશસ્તિ કરાઈ છે તેમાં કશી અતિશયોક્તિ નથી. ‘તરંગવતી લુપ્ત થયાથી પ્રાકૃત કથાસાહિત્યનું એક અણમોલ રત્ન લુપ્ત થયું છે.
‘તરંગવતી'નું કથાવસ્તુ પોતે જ ઘણું હૃદયંગમ છે. સમૃદ્ધ નગરીના રાજમાન્ય નગરશેઠની લાડકી કન્યા, તારુણ્ય અને કલાગ્રહણ, શરદઋતુમાં ઉદ્યાનવિહાર, પૂર્વભવસ્મરણ, ચક્રવાકમિથુનનું પ્રણયજીવન, નિષાદકૃત્યથી ચક્રવાકની જોડીનું ખંડન, ચક્રવાકીનું અનુસરણ, પૂર્વભવના પ્રણયીની શોધ, ઓળખ, મિલન, પ્રેમીઓને પલાયન, ભીલો વડે નિગ્રહ, દેવીના પશુબલિ બનવું, અણધાર્યો છુટકારો, સ્વજનો સાથે પુનર્મિલન તથા વૈરાગ્ય અને દીક્ષાગ્રહણનો લાક્ષણિક જૈન ઉપસંહાર – આ પ્રકારની ઘટના સામગ્રીની ઉત્કટ રસાવહતા સ્વયં પ્રતીત છે. વિવિધ સ્થાને ઘટનાપ્રવાહમાં આવતા અણધાર્યા વળાંકો કથાકૌતુકને પોષે છે. ઉત્તરકાલીન સાહિત્યમાં આ કથામાળખું (કે તેના વિવિધ ઘટકો) અનેક કૃતિઓમાં વારંવાર પુનરાવર્તન પામ્યાં છે તેથી પણ “તરંગવતી'ના કથાનકની લોકપ્રિયતા પ્રગટ થાય છે. કથાને તરંગવતીની આત્મકથા રૂપે પ્રસ્તુત કરીને અને પૂર્વભવના વૃત્તાંતથી ચમત્કારકતા સાધીને પાદલિપ્ત વસ્તુસંવિધાનની સારી કુશળતા દાખવી છે. જો કે પૂર્વજન્મની વાતનું ત્રણચાર વાર થતું પુનરાવર્તન (બંદિનીને કહેતાં, વ્યાધની આત્મકથામાં, ચિત્રવર્ણનમાં વગેરે) એ સંવિધાનનો કાંઈક અંશે દોષ લેખાય, પણ મૂળ કથામાં તેનું સ્વરૂપ અને પ્રમાણ કેવું હશે તે અંગે આપણે કશું ચોક્કસ જાણતા નથી.
તરંગવતીનું અત્યંત સંવેદનશીલ, સંસ્કારસમૃદ્ધ અને પ્રગલ્ય વ્યક્તિત્વ સમગ્ર કથાનકમાં તેના પ્રાણપદ અને ચાલક તત્ત્વ તરીકે વ્યાપી રહ્યું છે. પાદલિપ્તના જેવી પાત્રની સૂક્ષ્મ અને પ્રબળ રેખાઓ અંકિત કરવાની, કથાવસ્તુના ક્ષમતા વાળા અંશોને પારખીને બહલાવવાની અને ભાવવાહી નિરૂપણ તથા વાસ્તવિક તેમ જ આલંકારિક વર્ણનની શક્તિ એક સાથે પ્રાકૃત કે સંસ્કૃત કથાસાહિત્યમાં ઝાઝી જોવા મળતી નથી. અનેક સ્થળે વાસ્તવિક જીવનના સંસ્પર્શે ‘તરંગવતી'ને જે જીવંતપણું આપ્યું છે તે પણ ઉત્તરકાલીન સંસ્કૃતપ્રાકૃત સાહિત્યમાં અત્યંત વિરલ બન્યું છે. ‘તરંગવતી’ને પાદલિપ્તનું એક અદ્ભુત અને અમર સર્જન કહેવામાં જ તેનું ઉચિત મૂલ્યાંકન રહેલું છે.