________________
X11
ગુરુએ તેની બુદ્ધિચતુરાઈથી પ્રભાવિત થઈને તેને ઔષધિઓથી પાદલેપ કરીને આકાશમાર્ગે જવાની આકાશગામિની વિદ્યા આપી. ત્યારથી તે પાદલિપ્ત કહેવાયા. તે દસ વરસના થયા એટલે સંઘની અનુમતિથી ગુરુએ તેને પોતાને પદે આચાર્ય તરીકે સ્થાપ્યા. પછી તીર્થયાત્રા કરવા તે મથુરા ગયા અને ત્યાંથી તે પાટલિપુત્ર ગયા. ત્યાંના મુરુડ રાજાને અનેક કોયડા ઉકેલી આપીને તેમણે પ્રભાવિત કર્યો જેવા કે દોરાના દડામાં ગુપ્ત રહેલો દોરાનો છેડો શોધી કાઢવો, એકસરખી ગોળાઈ વાળા દંડનાં મૂળ અને અંત શોધી કાઢવાં, દાબડાના ઢાંકણનો ગુપ્ત સાંધો શોધી કાઢવો વગેરે. વળી મુરુંડરાજાની અસાધ્ય શિરોવેદના સૂરિએ પોતાના ઘૂંટણ પર ત્રણ વાર આંગળી ફેરવીને મંત્રબળે મટાડી. આ રીતે પાટલિપુત્રના રાજાને પ્રભાવિત કરીને પાદલિપ્તાચાર્ય પાર્શ્વનાથને વંદન કરવા મથુરા ગયા. ત્યાંથી તેઓ લાટદેશના ઓંકારપુરમાં
ગયા.
બાળસ્વભાવને કારણે, ઉપાશ્રયની નજીક, બીજાં બાળકો સાથે તે રમતા હતા ત્યારે દૂરથી દર્શનાર્થે આવેલા શ્રાવકોએ તેમને ચેલા માનીને પૂછ્યું, ‘પાદલિપ્તાચાર્ય ક્યાં છે ?' તેમને સ્થાન ચીંધીને પોતે ગુપ્ત રીતે ગુરુને આસને આવીને બેસી ગયા. બાળકને અર્થગંભીર ધર્મદેશના કરતા જોઈને શ્રાવકો પ્રભાવિત થયા. તેવી જ રીતે વાદ કરવા આવેલા પરધર્મીઓને ચાતુર્યથી મહાત કર્યા, અને ‘અગ્નિ ચંદનરસના જેવો શીતળ લાગે ખરો ?’ એવા તેમના પ્રશ્નનો ‘શુદ્ધ ચારિત્રવાળાનો જ્યારે ખોટા આળને કારણે અપયશ થાય ત્યારે તેને એ દુઃખમાં અગ્નિ પણ ચંદનલેપ સમો શીતળ લાગે' એવો ચમત્કારિક ઉત્તર આપ્યો.
તે પછી સંઘની વિનંતીથી શત્રુંજયની યાત્રા કરી ત્યાંથી પાદલિપ્ત કૃષ્ણરાજાના માન્યખેટ નગરમાં ગયા. પોતે બનાવેલી પાદલિપ્તી નામક સાંકેતિક ભાષાથી કૃષ્ણરાજાને પ્રભાવિત કરીને ત્યાંથી તેઓ ભૃગુકચ્છ ગયા, અને અંતરિક્ષમાં તેજસ્વી આકૃતિરૂપે દર્શન દઈને ત્યાંના બલમિત્ર રાજાને તથા લોકોને પ્રભાવિત કર્યા.
તીર્થયાત્રા કરતાં પાદલિપ્ત એક વાર સૌરાષ્ટ્રની ઢંકાનગરીમાં આવી પહોંચ્યા. ત્યાં રહેતો સિદ્ધ નાગાર્જુન તેમની સિદ્ધિઓથી પ્રભાવિત થઈને