________________
પ્રસ્તાવના પ્રાચીન કાવ્યોમાં, પ્રબંધોમાં અને લોકકથાઓમાં તેમ જ ઇતિહાસમાં મળતી, ગોદાવરીકાંઠેના પ્રતિષ્ઠાનનગરમાં (હાલના પૈઠણમાં) રાજ્ય કરતા રાજા સાતવાહન-હાલની કીર્તિગાથા વિક્રમાદિત્યની કીર્તિગાથાથી પણ વધુ ઉજ્જવળતા ધરાવે છે. તેનું “કવિવત્સલ' બિરુદ હતું, અને બૃહત્કથાકાર ગુણાક્ય જેવા અનેક કવિઓ તેની રાજસભાના અલંકાર હોવાની અનુશ્રુતિ પ્રાચીન કાળથી મળે છે. તેના રાજકવિઓ અને કવિમિત્રોમાં પાદલિપ્તસૂરિ (પાલિત્ત કે શ્રીપાલિત)નો પણ સમાવેશ થયો હતો.
આશરે સાતમી શતાબ્દીથી પ્રચલિત જૈન પરંપરા પ્રમાણે આ પાદલિપ્તસૂરિએ ‘તરંગવતી' નામે એક અદ્ભુત કથા પ્રાકૃત ભાષામાં રચી હતી. પછીના પ્રાકૃત કથાસાહિત્ય પર તેનો સારો એવો પ્રભાવ પડ્યો જણાય છે. દુર્ભાગ્યે એ કથાકૃતિ લુપ્ત થઈ ગઈ છે. પરંતુ પાછળના સમયમાં કરવામાં આવેલો તેનો એક સંક્ષેપ જળવાયો છે. આ સંક્ષેપનું પ્રમાણ આશરે ૧૬૪૨ ગાથા જેટલું છે. સંક્ષેપકારે કહ્યું છે કે પાદલિપ્ત રચેલી ગાથાઓમાંથી પસંદગી કરીને તથા કઠિન દેશ્ય શબ્દો ટાળીને તેણે સંક્ષેપ તૈયાર કર્યો છે.
સંક્ષેપકાર કોણ છે અને તેનો સમય કયો છે તે બાબત નિશ્ચિત થઈ શકી નથી. સંક્ષેપની અંતિમ ગાથામાં થોડીક માહિતી છે, પણ તે ગાથા ભ્રષ્ટ છે અને તેનો શબ્દાર્થ તથા તાત્પર્ય અસ્પષ્ટ રહે છે. હાઇયપુરીય ગચ્છના વીરભદ્રસૂરિના શિષ્ય નેમિચંદ્રગણિ અથવા તેનો શિષ્ય “જસ' (‘જૈન ગ્રંથાવલી’ પ્રમાણે યશસેન) આ સંક્ષેપનો રચનાર છે કે માત્ર પ્રતિલિપિકાર છે, અને તે ક્યારે થઈ ગયો, તે કહી શકાતું નથી. ભદ્રેશ્વરની “કહાવલી’ (રચનાકાળ એક મતે અગિયારમી સદી)માં પણ તરંગવતીનો સંક્ષેપ આપેલો
એ સંક્ષેપનો પાઠ ઈ.સ. ૧૯૪૪માં કસ્તૂરવિજગણિએ પાંચ પ્રતોને આધારે સંપાદિત કરીને શ્રી નેમિવિજ્ઞાન પ્રસ્થમાલાના નવમાં રત્ન તરીકે પ્રકાશિત કર્યો છે. મૂળ પ્રતોમાં પાઠ ઘણે સ્થળે ભ્રષ્ટ છે. પરંતુ મોટા ભાગની ગાથાઓ શુદ્ધ છે, અને પરિણામે અર્થ ન પકડાય કે સંદિગ્ધ રહે તેવા સ્થાનો ઓછાં છે.