________________
મધ્યકાળનાં સાહિત્યસ્વરૂપો પદ્યસાહિત્ય) ૨૭
નરસિંહ મહેતાકૃત રાધાકૃષ્ણની બારમાસી એ જૈનેતર કવિની પ્રથમ બારમાસી છે. એમાં કૃષ્ણ મથુરા ગયા છે, રાધા એમના આગમનની પ્રતીક્ષા કરે છે. એમાં પ્રકૃતિનો ઉદ્દીપન વિભાવ તરીકે ઉપયોગ થયો છે. કાર્તિક માસથી વિરહ શરૂ થાય છે અને અશ્વિન માસમાં કૃષ્ણ આવે છે. બન્નેના મિલનથી કાવ્ય પૂરું થાય છે. પછીના કવિઓએ પણ બારમાસીમાં એ રીત અપનાવી છે. લોકસાહિત્યમાં પણ બારમાસનાં પદો મળે છે.
વિરહનાં બારમાસનાં પદોની જેમ વિરહનાં વારનાં પદો પણ રચાયાં છે. એમાં વિરહનું આયુષ્ય સાત દિવસનું જ રહેતું, અને આઠમે દિવસે પ્રણયીઓનું મિલન થતું. ભાલણના મહાદેવજીના સાત વાર'માં પાર્વતીનો મહાદેવ માટેનો વિરહ સોમવા૨થી શરૂ થાય છે અને રવિવારે મહાદેવ આવી પહોંચતાં વિરહનો અંત આવે છે. આ પ્રકારનાં પદો અત્યંત ટૂંકાં હોવાથી એમાં પ્રકૃતિવર્ણનને ઝાઝો અવકાશ રહેતો નથી અને સાત દિવસનો ટૂંકો ગાળો વિરહવ્યથાને તીવ્ર બનાવી શકતો નથી. એવું જ તિથિનાં પદોનું છે. એમાં પ્રત્યેક તિથિએ અમુક બનાવ બન્યો એમ કહેવાયું છે. જેમ કે પ્રીતમના તિથિના પદમાં પ્રત્યેક તિથિએ કૃષ્ણના જીવનના અમુક બનાવનો ઉલ્લેખ છે. એ રીતે પડવાથી પૂર્ણિમા સુધી, કવિએ સંક્ષેપમાં કૃષ્ણની બાળલીલા ગાઈ છે. આરંભ કૃષ્ણના જન્મ પૂર્વેથી થાય છે, ને પૂર્ણિમાએ રાસક્રીડાથી કાવ્યનો અંત આવે છે.
મંદિર જોડે સંકળાયેલો અને પૂજાના વિનિયોગમાંથી ઉદ્દભવેલો એવો બીજો એક પ્રકાર આરતીનો છે. ‘આરતી’ પૂજાની વિધિનું એક સ્વરૂપ છે. બધા સંપ્રદાયનાં મંદિરોમાં દેવની આરતી ઉતારાય છે. આરતીનો આરંભ દેવના યોચ્ચારથી થતો. એમાં દેવનો મહિમા ગવાતો, એનાં સ્વરૂપનું કે આભૂષણનું વર્ણન આવતું. વૈષ્ણવમંદિરોમાં જ્યારે જ્યારે દર્શન થતાં ત્યારે પ્રત્યેક વેળા આરતી ઉતારાતી. જ્યારે અન્ય મંદિરોમાં પ્રાતઃકાળે અને સાયંકાળે આરતી ઉતારાતી. પણ સંધ્યા આરતીનું વિશેષ મહત્ત્વ હોય છે. આરતીનાં પદોમાં વિષય અને નિરૂપણરીતિનું પુષ્કળ વૈવિધ્ય હોય છે. વિષ્ણુના દશાવતાર, શંકરનાં દ્વાદશ જયોતિર્લિંગ, દેવીનાં વિવિધ સ્વરૂપો અને એને વિષેની પૌરાણિક કથાઓનો ઉલ્લેખ થતો. મોટેભાગે પ્રથમ પંક્તિ જ ધ્રુવપદ રૂપે રહેતી. આરતી સંઘગાન હોવાથી, એમાં સ્વરમાધુર્ય, તથા ગેયતા તરફ વિશેષ લક્ષ અપાતું, અને પ્રાસનું માધુર્ય જળવાતું. ગુજરાતમાં ઘણે સ્થળે મંદિરોમાં હરિ-હ૨ બન્નેની મૂર્તિઓ જોડેજોડ હતી તેમ જ અર્ધું અંગ શંકરનું અને અર્ધું વિષ્ણુનું એવી મૂર્તિઓ પણ હતી. એથી ત્યાં હિરહરની સહિયારી આરતી થતી. જેમકે