________________
શ્રાદ્ધદિનકૃત્ય
ગુરુવંદન અધિકાર
ગુરુવંદન વિષે વિવેચન
સાધુ સેવાના અનેક પ્રકારો છે. તેમાં મુખ્ય ત્રણ છે. ૧. ગુરુવંદન, ૨. જિનવાણીશ્રવણ, ૩. અને સુપાત્રદાન. જ્યારે જ્યારે સાધુનો યોગ થાય ત્યારે ત્યારે શ્રાવકે દરરોજ ગુરુવંદન વગેરે કરવું જોઈએ. ગુરુવંદનથી માનકષાયનો નાશ થાય છે. માનકષાય ભયંકર દોષ છે. અભિમાની જીવ અક્કડ રહે છે. અક્કડ રહેનાર બીજાને નમી શકે નહિ. અક્કડ રહેનાર વર્તમાનમાં પ્રત્યક્ષ ઉપકારી એવા માતા-પિતાને પણ નમી શકે નહિ. જે માતા–પિતાને પણ ન નમે તે ગુરુઓને ક્યાંથી નમે ? જેને ગુણી કે ઉપકારીઓને નમવામાં શરમ આવે છે તેનામાં અહંકાર છે એ સૂચિત થાય છે. મા-બાપને નમવામાં શરમ દૂષણ છે
આજના યુવાનોને મા–બાપને નમસ્કાર કરવામાં શરમ આવે છે. આ શરમ ખોટી છે. સારા કામમાં શરમ દૂષણ છે. ખરાબ કામમાં શરમ આવવી જોઈએ, સારા કામમાં નહિ. કેટલાકને મા–બાપને નમસ્કાર કરવામાં પોતાનું વ્યક્તિત્વ હણાતું હોય એમ લાગે છે. મા-બાપને નમસ્કાર કરવામાં વ્યક્તિત્વ હણાતું નથી, કિન્તુ અધિક સમૃદ્ધ બને છે. વિનીત પુત્ર મા-બાપને નમસ્કાર કરીને ગૌરવ અનુભવે. આથી તેને મા-બાપને નમસ્કાર કરવામાં જરાય શરમ ન આવે.
159
પ્રણામની ક્રિયા કૃત્રિમ નથી
આજે ઘણા કહે છે કે, આ પ્રમાણે પ્રણામ કરવાથી શો લાભ ? આ તો બાહ્મક્રિયા છે. બાહ્યક્રિયા એ કૃત્રિમતા છે. પણ આમ કહેનારાઓએ એ સમજવાની જરૂર છે કે બાહ્ય ક્રિયા અંતરમાં રહેલા બહુમાન ભાવની સૂચક છે. બાહ્યથી પ્રણામ થાય છે એ જ સૂચવે છે કે અંતરમાં બહુમાન તથા નમ્રતા છે. અંતરમાં પ્રગટેલી નમ્રતા શક્તિ અને સંયોગો પ્રમાણે પ્રણામ વગેરે બાહ્યક્રિયા કરાવ્યા વિના રહેતી નથી.
આ એક સામાન્ય નિયમ છે કે, અંતરમાં શુભ કે અશુભ જે ભાવ પ્રગટે તે ભાવ મુજબ બાહ્યક્રિયા કરવાનું મન થાય છે. આથી નમ્રતા પ્રગટે એટલે બાહ્ય પ્રણામાદિ ક્રિયા કરવાનું પણ મન થાય છે. નમ્રતા વિના નમન થાય નહિ. આથી જ ઘણાને અહંકાર નડવાથી પ્રણામ કરવામાં શરમ આવે છે. પ્રણામની ક્રિયા કૃત્રિમ લાગે છે એનું કારણ પણ અહંકાર છે. અહંકારથી પોતે નમી શકે નહીં. તથા પોતે નમતો નથી એ ભૂલ હોવા છતાં અહંકારને કારણે એ ભૂલનો સ્વીકાર થતો નથી, અને એના બચાવ માટે પ્રણામની ક્રિયા કૃત્રિમ છે, એમ કહેવામાં આવે છે. અલબત્ત, કોઈક અંતરમાં ભાવ ન હોવા છતાં સ્વાર્થ આદિ ખાતર નમે એવું બને. આથી જ ‘‘દગાબાજ દુગુના નમે’’ આવી કહેવત પ્રચલિત છે. “નમન નમનમેં ફેર હૈ, બહુત નમે નાદાન’ એ પંક્તિ પણ દંભનું સૂચન કરે છે. પણ આવું થોડાઓ માટે બને, અતિશય ખરાબ માણસો માટે બને, સારા માણસો માટે નહીં. અહીં આપણે · પ્રણામની વાત સારા મનુષ્યની અપેક્ષાએ જ કરી રહ્યા છીએ.
ભાવ વિના પણ પ્રણામ કરવાથી ભાવ આવે
કેટલાક યોગ્ય આત્માઓ માટે એવું પણ બને છે કે, પ્રારંભમાં ભાવ વિના પ્રણામ કરે, પણ પછી પ્રણામ કરતાં કરતાં જ ભાવ આવી જાય, કેટલાક જીવો ભાવ વિના બાહ્મક્રિયા કરતાં કરતાં ભાવવાળા બની જાય એ વિશે એક સ્ત્રીનો પ્રસંગ જોઈએ. એક સ્ત્રીએ તેના વકીલ પાસે જઈને કહ્યું : વકીલ સાહેબ ! હું મારા પતિથી કંટાળી ગઈ છું. મારે તેની સાથે છૂટાછેડા લેવા છે. તથા હું ઈચ્છું છું કે એનું જીવન એના માટે કપરું બની જાય. બાહોશ વકીલે સલાહ આપતાં કહ્યું: તો તમે આજથી તમારા પતિની પ્રશંસા કર્યા કરો. તથા તેમની એવી સેવા-ભક્તિ કરો કે જેથી તેમને તમારા વિના ન ચાલે. જ્યારે તેમને તમારા વિના ન ચાલે એવું વાતાવરણ સર્જાશે ત્યારે તમે છૂટાછેડા લેશો તો તે દુ:ખી થયા વિના નહિ રહે. તમારી સેવા-ભક્તિથી તમારા પતિ તમારા પર આધાર રાખતા થઈ જાય