________________
શ્રાદ્ધદિનકૃત્ય
(309)
પંદરમું ભોજન દ્વાર ઉત્તમ મૂઠિયા બનાવ્યા હોય અને એ મૂઠિયાઓનો ચૂરો કરી તેને બરોબર શેકી નાખ્યો હોય તો વાસી ન થાય.
દૂધનો માવો - દૂધનો માવો જે દિવસે ર્યો હોય તે જ દિવસે ભક્ષ્ય છે. રાત્રિએ અભક્ષ્ય થાય છે. પણ જો તે માવાને લાલચોળ થાય તે પ્રમાણે શેકી નાખ્યો હોય તો તે માવો વધારે દિવસો સુધી ભક્ષ્ય રહી શકે. જે મિઠાઈમાં માવો કાચો હોય તે મિઠાઈ બીજા દિવસે અભક્ષ્ય બને છે. જે મિઠાઈમાં માવો પાકો (લાલચોળ થાય એ પ્રમાણે શેકીને) નાખેલો હોય તે મિઠાઈ વધારે દિવસો સુધી ભસ્થ રહી શકે છે.
ચાસણીઃ- જે મિઠાઈ ચાસણી કરીને બનાવવામાં આવી હોય તે મિઠાઈ જો કાચી ચાસણીથી બનાવી હોય તો બીજા દિવસે અભક્ષ્ય બને છે. જો પાકી (ત્રણ તારની) ચાસણીથી બનાવી હોય તો વધારે દિવસો સુધી ભક્ષ્ય રહી શકે છે.
લોટ-આટો ચાળ્યો ન હોય તો મિશ્ર (કંઈક સચિત્ત અને કંઈક અચિત્ત એમ મિશ્ર) રહે છે. ચાળ્યો હોય તો બે ઘડી પછી અચિત્ત થઈ જાય છે. ચાળ્યા વિનાનો આટો નીચે જણાવેલા સમય સુધી મિશ્ર રહે છે.
વગર ચાળેલો આટો શ્રાવણ-ભાદરવામાં પાંચ દિવસ, આસો-કાર્તિકમાં ચાર દિવસ, માગશર–પોષમાં ત્રણ દિવસ, મહા-ફાગણમાં પાંચ પહોર, ચૈત્ર-વૈશાખમાં ચાર પહોર અને જેઠ-અષાઢમાં ત્રણ પહોર સુધી મિશ્ર રહે છે. આટલા સમય પછી ચાળ્યા વિના પણ અચિત્ત બને છે.
અચિત્ત થયા પછી આટો ક્યાં સુધી અચિત્ત રહે તેનો કાળ શાસ્ત્રમાં જોવામાં આવતો નથી. પણ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ બદલાય કે તેમાં જીવોની ઉત્પત્તિ થાય તો અભક્ષ્ય ગણવો જોઈએ.
કેરી - આદ્રનક્ષત્ર પછી કેરીનો રસ ચલિત થતો હોવાથી અભક્ષ્ય છે. પછી ફરી વિશાખા નક્ષત્રથી કેરી અભક્ષ્ય ન ગણાય.
પાપડ - શેકેલા પાપડ, ખીચીયા બીજા દિવસે રૂપાંતર થવાથીવાસી થાય. તેલ કે ઘીમાં તળેલાં પાપડ– ખીચીયા બીજા દિવસે વાપરી શકાય. ચોમાસામાં કાચા (શેક્યા વિનાના) પાપડ ઉપર નીલફૂગ થઈ જવાનો ઘણો જ સંભવ હોવાથી, ચોમાસામાં પાપડ-ખીચીયા ન વપરાય તે સારું ગણાય. ચોમાસામાં આસો માસમાં તડકો વધારે પડતો હોવાથી નીલ-ફૂગની સંભાવના ન હોવાથી પાપડ વાપરવામાં બાધ જણાતો નથી.
ચટણી - કોથમીર વગેરેની ચટણીમાં પાણી કે દાળિયા વગેરે કાંઈન નાંખ્યું હોય તો ત્રણ દિવસ સુધી ખપી શકે. પાણી કે દાળિયા વગેરે કાંઈ નાખ્યું હોય તો તે જ દિવસે ભક્ષ્ય છે.
ફળઃ- કોઈપણ પાકેલા ફળ, તેમાંથી બી કાઢ્યા પછી બે ઘડી બાદ અચિત્ત થાય. એટલે સચિત્ત ત્યાગીને ફળમાંથી બી કાઢ્યા પછી બે ઘડી બાદ ખપી શકે.
શેરડીનો રસ - શેરડીનો રસ કાઢ્યા પછી બે ઘડી બાદ અચિત્ત થાય અને બે પ્રહર બાદ અભક્ષ્ય બની જાય છે.
દૂધઃ- દૂધ બીજા દિવસે અભક્ષ્ય બને છે. જો બગડી જાય તો એ દિવસે પણ અભક્ષ્ય બની જાય છે.
પાણી - જ્યાં સુધી ત્રણ ઉકાળાથી પૂર્ણ ઉકળે નહિ ત્યાં સુધી ઉકાળેલું પાણી પણ મિશ્ર છે. ત્રણ ઉકાળા પછી જ તે અચિત્ત બને છે. (પ્ર.સા.ગા. ૮૮૧, પિંડનિ. ગા. ૧૮) આરીતે અચિત્ત થયેલું પાણી ઉનાળામાં પાંચ પ્રહર પછી, ચોમાસામાં ત્રણ પ્રહર પછી અને શિયાળામાં ચાર પ્રહર પછી ફરી સચિત્ત થઈ જાય છે. પાણી સચિત્ત થાય એ પહેલાં તેમાં યોગ્ય પ્રમાણમાં ચૂનો નાંખવામાં આવે તો એ પાણી બહોતેર કલાક સુધી અચિત્ત રહે છે.