________________
શ્રાદ્ધદિનકૃત્ય
काउस्सग्गे जह सुट्ठिअस्स भज्जति अंगमंगाई । इय भिंदंति सुविहिआ, अट्ठविहं कम्मसंघायं ॥
‘કાયોત્સર્ગમાં વિધિપૂર્વક ઊભા રહેલાનાં શારીરિક અંગો અને ઉપાંગો જેમ જેમ ભાંગે-દુ: ખે તેમ તેમ સુવિહિત આત્માઓ ચિત્તનો નિરોધ કરીને આઠ પ્રકારના કર્મસમૂહનો નાશ કરે છે.’’
ઓગણીસમું વંદનાદિ (આવશ્યક) દ્વાર
330
કાયોત્સર્ગ તપ સ્વરૂપ છે. કારણકે તપના બાહ્ય અને અત્યંતર એ બંને પ્રકારના તપમાં કાયોત્સર્ગ આવે છે. પ્રાયશ્ચિત્ત, વિનય, વેયાવચ્ચ, સ્વાધ્યાય, કાયોત્સર્ગ અને ધ્યાન એમ અત્યંતર તપના છ ભેદો છે. તેમાં કાયોત્સર્ગનો સ્પષ્ટ ઉલ્લેખ છે. બાહ્ય તપમાં કાયોત્સર્ગનો સ્પષ્ટ ઉલ્લેખ ન હોવા છતાં તાત્પર્યથી આવી જાય છે. કારણકે બાહ્ય તપના છ પ્રકારોમાં કાયક્લેશ અને સંલીનતા એ ભેદ છે. કાયોત્સર્ગથી કાયક્લેશ અને સંલીનતા થાય છે. તથા કાયોત્સર્ગમાં ધ્યાન ધરવાનું હોય છે. ધ્યાન એ અત્યંતર તપ છે. આ રીતે પણ કાયોત્સર્ગ અત્યંતર તપ સ્વરૂપ પણ છે. આમ અનેક રીતે કાયોત્સર્ગ તપ સ્વરૂપ છે. તપ નિર્જરાનું સાધન છે. આથી કાયોત્સર્ગ નિર્જરાનું સાધન છે એ સિદ્ધ થાય છે. આ પ્રમાણે કાર્યોત્સર્ગથી અનેક લાભો થાય છે. આમ છતાં આપણે એટલું સમજી લેવું જોઈએ કે વિધિપૂર્વક કાયોત્સર્ગ કરવાથી જ યથાર્થ લાભ થાય, ગમે તેમ કરવાથી નહિ. કાયોત્સર્ગ વિધિપૂર્વક થાય એ માટે કાયોત્સર્ગના દોષોનો ત્યાગ કરવો જોઈએ. કાયોત્સર્ગના દોષોનું વર્ણન પૂર્વે ૩૪-૩૫મી ગાથામાં આવી ગયું છે.
પ્રશ્ન ઃ છ આવશ્યકમાં કાયોત્સર્ગ આવશ્યકની આરાધના ક્યારે થાય છે ?
ઉત્તર : જ્યારે જ્યારે કાયોત્સર્ગ હોય ત્યારે ત્યારે કાયોત્સર્ગ આવશ્યકની આરાધના થાય છે. કાયોત્સર્ગમાં આગારો
કાયોત્સર્ગમાં કાયાને અત્યંત સ્થિર રાખવાની હોય છે, સૂક્ષ્મ પણ કાયા ન હાલવી જોઈએ. આમ છતાં શરીરના કેટલાક વેગો એવા હોય છે કે જેમને રોકી ન શકાય અને એ વેગોના કારણે શરીર સૂક્ષ્મ પણ હાલી જાય. કુદરતી વેગોના કારણે શરીર સૂક્ષ્મ હાલે છતાં કાયોત્સર્ગનો ભંગ ન થાય એટલા માટે કેટલાક આગારો-છૂટ રાખવામાં આવેલ છે. એ આગારો ‘અન્નત્ય’ સૂત્રમાં જણાવવામાં આવ્યા છે. તે આ પ્રમાણે–
૧.ઊંચો શ્વાસ, ૨.નીચો શ્વાસ, ૩.ખાંસી, ૪.છીંક, પ.બગાસું, ૬.ઓડકાર, ૭. અધોવાયુ, ૮.ભમરી-ચકરી, ૯. ઊલટી, ૧૦.સૂક્ષ્મ કાયકંપ, ૧૧.સૂક્ષ્મ ગ્લેમ સંચાર, ૧૨.સૂક્ષ્મ દૃષ્ટિ સંચાર આ બાર કારણોથી શરીર હાલે તો પણ કાયોત્સર્ગ ન ભાંગે. તદુપરાંત નીચેના ચાર કારણોથી પણ કાયોત્સર્ગ ન ભાંગે તે આ પ્રમાણે–
:
(૧) અગ્નિ ઃ શરીર ઉપર વીજળીનો પ્રકાશ (=અગ્નિકાયના જીવો) વગેરે લાગે તો ત્યાંથી ખસીને પ્રકાશ વિનાના સ્થળે જવામાં કે કામળી ઓઢવામાં કાયોત્સર્ગનો ભંગ ન થાય. અથવા આગ લાગે તો ખસવામાં કાયોત્સર્ગનો ભંગ ન થાય.
(૨) આડ: બિલાડી, ઉંદર વગેરે પંચેંદ્રિય પ્રાણીની આડ પડતી હોય, એટલે કે ક્રિયા કરનાર અને સ્થાપનાચાર્યજી એ બેની વચ્ચેથી કોઈ પંચેન્દ્રિય પ્રાણી પસાર થવાની તૈયારીમાં હોય, તો એ આડને રોકવા ખસવામાં કાયોત્સર્ગનો ભંગ થતો નથી.
(૩) ભય : રાજા કે ચોર વગેરેનો ભય ઉપસ્થિત થાય. તો ત્યાંથી જવામાં કાયોત્સર્ગ ન ભાંગે.
(૪) સર્પદંશ : પોતાને કે અન્યસાધુને સર્પ કરડે ત્યારે તેનો ઉપચાર કરવામાં કાયોત્સર્ગનો ભંગ ન થાય.