________________
શ્રાદ્ધદિનકૃત્ય
303
પંદરમું ભોજન દ્વાર
(૪) દિવસે બનાવેલું ભોજન દિવસે ખાવું.
આ ચાર ભાંગામાં ચોથો ભાંગો જ શુદ્ધ છે.
જો કે રાતે બનાવેલું ભોજન દિવસે વાપરવામાં રાત્રિભોજનના નિયમનો ભંગ ન થાય, આમ છતાં અતિચાર જરૂર લાગે. કારણ કે જીવહિંસાથી બચવા રાત્રિભોજન છોડવામાં આવે છે. રાતે બનાવેલ ભોજન દિવસે વાપરવામાં જીવહિંસા તો થાય જ છે.
આ વિષે રત્નસંચય ગ્રંથ (શ્લોક ૪૫૪) માં કહ્યું છે —
‘રાત્રિએ તથા અંધકારમાં સૂક્ષ્મ જીવો જોઈ શકાતા નથી, તેથી રાત્રિએ બનાવેલું દિવસે ખાય તો પણ રાત્રિભોજન તુલ્ય છે.’’
મુખ્યતયા શ્રાવક માટે એકાસણાનું વિધાન છે. આમ છતાં જો એકાસણું ન થઈ શકે અને એથી સાંજે વાપરવું પડે તો પણ સૂર્યાસ્તથી બે ઘડી પહેલાં ભોજન કરી લેવું જોઈએ. જો ઘરમાં બધા જ માણસો આ પ્રમાણે વહેલા જમી લે તો વાસણ માંજવા વગેરે કામ પણ અજવાળે અજવાળે થઈ જાય અને બહેનો પણ સમયસર પ્રતિક્રમણ વગેરે અનુષ્ઠાન કરી શકે. સૂર્યાસ્તથી બે ઘડી પહેલાં ભોજન કરી લેવા વિષે યોગશાસ્ત્રમાં કહ્યું છે કે ‘‘રાત્રિભોજનના દોષોને જાણનાર જે મનુષ્ય સૂર્યોદયથી બે ઘડી વીત્યા બાદ અને સૂર્યાસ્તથી બે ઘડી પૂર્વે ભોજન કરે છે તે પુણ્યશાળી છે.’’
હવે સૂર્યાસ્તથી બે ઘડી પહેલાં ભોજન ન કરી શકાય તો ઓછામાં ઓછું સૂર્યાસ્ત પહેલાં પાંચ મિનિટ તો અવશ્ય વાપરી લેવું જોઈએ. હવે સૂર્ય હશે કે નહિ એવા શંકાવાળા સમયે ભોજનનો અવશ્ય ત્યાગ કરવો હિતાવહ છે. આ રીતે સૂર્યાસ્ત પહેલાં ભોજન કરી લીધા પછી તુરત તિવિહાર કે ચોવિહારનું પચ્ચક્ખાણ લઈ લેવું જોઈએ. કારણ કે શ્રાદ્ધવિધિમાં ઉત્સર્ગ માર્ગે દિવસે જ દિવસ ચરિમ (ચોવિહાર, તિવિહાર કે દુવિહાર) પચ્ચક્ખાણ કરી લેવું એમ કહ્યું છે. અપવાદથી તો સૂર્યાસ્ત બાદ પણ દિવસચરિમનું પચ્ચક્ખાણ લઈ શકાય.
આ રીતે દરરોજ રાતે ચોવિહારનું પચ્ચક્ખાણકરનાર ભાગ્યશાળીને એક મહિને પંદર ઉપવાસનું ફળ મળે છે. જો સવારે પોરિસીનું અને સાંજે ચોવિહારનું પચ્ચક્ખાણ કરે તો આરોગ્યની દષ્ટિએ પણ લાભ થાય. આ વિષે ઈટાલીયન કવિતાનો ભાવ નીચે મુજબ છે :–
પાંચ વાગે ઉઠવું, અને નવ વાગે જમવું,
પાંચ વાગે વાળુ અને નવ વાગે સૂવું, એથી નેવું ને નવ વરસ જીવાય છે.
જો દરરોજ બિયાસણું કરવામાં આવે તો આ નિયમ બરોબર સચવાઈ રહે. આ દેશમાં જમવાનો વખત સામાન્ય રીતે મજુર વર્ગમાં ત્રણ વખતનો છે અને શિષ્ટવર્ગમાં બે વખતનો છે. શિષ્ટવર્ગમાં બાળકો સિવાય બે જ વખત જમવાનો રિવાજ હતો. હાલમાં ચાના પ્રચાર પછી સવારે કાંઈ પણ લેવાનો રિવાજ રૂઢ થઈ ગયો છે. નહીંતર સવારે ખાસ કારણ વિના કોઈપણ ખાવાનું રાખતા નહીં, માત્ર લગભગ ૧૦ વાગે જમવાનું અને સાંજે ઋતુ પ્રમાણે પાંચ વાગ્યાની આજુબાજુ જમવાનો રિવાજ હતો. એટલે દિવસે સૂર્યના પ્રકાશથી જઠરાગ્નિ તેજ રહે અને ૭–૮ ક્લાકના અંતરમાં બપોરનું પચી જાય અને સાંજે પાંચ-છ વાગ્યે ખાધેલું હોય તે આખી રાતના લગભગ ૧૬ કલાકની મદદથી પચી જાય. એટલે ખરી ભૂખમાં જ ખવાતું હતું. મારવાડમાં હજુ આ રિવાજ જોવા મળે છે.