________________
258
પંદરમું ભોજન દ્વાર
શ્રાદ્ધદિનકૃત્ય સુધી સુખ અનુભવીને મહાવિદેહક્ષેત્રમાં ઉત્પન્ન થશે. ત્યાં દીક્ષા લઈને મોક્ષમાં જશે.
આ પ્રમાણે ધન્ય-શાલિભદ્રની કથા પૂર્ણ થઈ. *કૃતપુષ્યની કથા આ છે–
કૃતપુણ્યનું દષ્ટાંત | વિજયપુર નામના શહેરમાં વિજયસેન રાજા નીતિથી ધનભંડાર, કોઠાર વગેરે સંપત્તિથી સમૃદ્ધ અને સાત અંગવાળા રાજ્યનું પાલન કરતો હતો ત્યારે, ધનવસુ શેઠને પદ્મશ્રી પત્નીથી વસુદત્ત નામનો પુત્ર થયો. તેનો જન્મ થતાં જ ધનવસુશેઠ મૃત્યુ પામ્યો. તેનું મૃત્યુ થતાં તેનું સઘળું ધન નાશ પામ્યું. પદ્મશ્રી ખિન્ન બની ગઈ. ત્યાં પોતાના નિર્વાહને નહિ જોતી તેણે વિચાર્યું: માન એ જ જેમનું ધન છે એવા લોકોને ધન અને માન ન રહે ત્યારે વિદેશમાં જવું એ જ ઉચિત છે, નોકરી આદિથી જીવનનિર્વાહ કરીને સ્વદેશમાં જ રહેવું ઉચિત નથી. આ પ્રમાણે વિચારતી તે વસુદત્ત પુત્રને લઇને શ્રીપુર નામના નગરમાં ગઈ. ત્યાં કોઇ શેઠનો આશ્રય લઈને રહી. વસુદત્તને તે શેઠના જ ઘરે વાછરડાઓનું પાલન કરવા રાખ્યો. શેઠના સંબંધથી પાડોશી લોકોના વાછરડાઓની પણ સંભાળ તે જ રાખવા લાગ્યો. પછી કેટલાક દિવસો જતાં એકવાર તે વાછરડાઓને ચારવા માટે નગરની બહારની ભૂમિમાં ગયો. ત્યાં તેણે એક મહામુનિને જોયાં અને ભાવપૂર્વક વંદન ક્યું
તે દિવસે તે નગરમાં લોકોનો ખીર ખાવાનો મહોત્સવ હતો. તેથી આ વસુદત્ત બાળક કોઈક સમયે વાછરડાઓને ચરાવીને ઘરે આવ્યો ત્યારે તેણે ઘરે ઘરે ખીર રંધાતી જોઈ. તેણે માતા પાસે માગણી કરી કે, હે મા! મને આજે ખીર આપ. માતાએ સ્વપતિના કાળને યાદ કરીને વિચાર્યું: દુ:ખે કરીને રોકી શકાય એવા ભાગ્યના વિલાસને જો. આ ધનવસુ શેઠનો પુત્ર થઈને કેવી રીતે અન્યથી દયા કરવા યોગ્ય અવસ્થાને પામ્યો ? એ મારી માતાને આટલી પ્રાપ્તિ ક્યાંથી થાય ? એ જાણતો નથી.
આ પ્રમાણે વિચારતી તેણે રડવાનું શરૂ કર્યું. તેનું રુદન સાંભળીને પાડોશી સ્ત્રીઓને દયા આવી. તેમણે આવીને પૂછ્યું : હે બહેન ! કહ કહ એવા ધ્વનિથી તારા ગળાનો માર્ગ અટકી ગયો છે, અર્થાત્ તારું ગળું રહી ગયું છે, તું આ રીતે કેમ રડે છે? તને શું નથી મળતું? જો કહેવામાં વાંધો ન હોય તો કહે. તેથી તેણે કહ્યું: જેનો આવો વિલાસ છે તે મારા ભાગ્યને જ તમે પૂછો. આમ કહીને તેણે પુત્રનોવૃત્તાંત કહ્યો. તેમણે કહ્યું: જો એમ છે તો તું રડ નહિ. અમે જ ખીરની સામગ્રી મેળવી આપીશું.
પછી કોઈએ ચોખા, કોઈએ દૂધ, કોઈએ ગોળ-ખાંડ વગેરે એને આપ્યું. આ આપીને તેમણે કહ્યું : આ સામગ્રીથી તારે સવારે પુત્રના મનોરથો પૂરા કરવા. બીજા દિવસે સવારે જ તેણે વસુદત્તને કહ્યું: હે વત્સ! આજે તારા લાયક ખીર કરીશ. આથી તારે જલદી આવવું. આથી તે બે પ્રહર જેટલો સમય થતાં આવી ગયો. ઘરમાં ભોજન કરવા માટે બેઠો. માતાએ ખીરની થાળી ભરીને તેને આપી. આ દરમિયાન તેને પૂર્વે જે મહામુનિનાં દર્શન થયાં હતાં તે જ મહામુનિ માસખમણના પારણે આવ્યા. તેમણે કોઈ પણ રીતે તેના જ ઘરમાં પ્રવેશ કર્યો. ઉલ્લસિત ભક્તિવાળા વસુદત્તે મુનિને જોયા. તેણે વિચાર્યું: ખરેખર! હું પણ કંઈક પુણ્યનો ભાજન છું, જેથી આવી સામગ્રી મને મળી. કારણકે કહ્યું છે કે – “પૃથ્વીમાં કેટલાક માણસોને ચિત્ત અને વિત્ત મળે છે, પણ દાનને યોગ્ય પાત્ર મળતું નથી. બીજાઓને ગુણવાન પાત્ર પ્રાપ્ત થાય છે, પણ ઉચિત ચિત્ત અને વિત્ત પ્રાપ્ત થતાં નથી. કેટલાકને ચિત્ત હોય છે, પણ વિત્ત અને પાત્ર હોતાં નથી. કોઈને ચિત્ત અને પાત્ર હોય છે, પણ * અહીંટીકામાં કથા સંક્ષિસ હોવાથી શ્રાવકના બારવ્રતો યાને નવપદ પ્રકરણના ગુજરાતી અનુવાદમાંથી અક્ષરશ: ઉદ્ધત કરવામાં આવી છે.