________________
ગુરુવંદન અધિકાર
શ્રાદ્ધદિનકૃત્ય
એકવાર પણ સાધુવંદન કર્યા વિના રહેવું નહિ એવું પણ ખરું ? તથા જેટલા સાધુ હોય તેટલા બધાને વિધિપૂર્વક વંદન કરવું જોઈએ. તેમ ન બની શકે તો પણ મુખ્ય–મુખ્ય સાધુઓને વિધિપૂર્વક વંદન અને બાકીના સાધુઓને બે હાથ જોડી નમસ્કાર કરવાનું નહિ ચૂકવું જોઈએ. દરરોજ આમ કરવાથી સાધુ પ્રત્યે બહુમાન ભાવ જળવાઈ રહે છે. રસ્તામાં નમસ્કાર કરવાથી લાભ
166
તથા સાધુ મહારાજ રસ્તામાં સામા મળે કે તમે જે સ્થાને હો તે સ્થાન આગળથી સાધુ મહારાજ પસાર થતા દેખાય તો બે હાથ જોડીને નમસ્કાર કરવા જોઈએ. તેમાં પણ શ્રીમંત અને સત્તાવાળા માણસોએ ખાસ નમસ્કાર કરવા જોઈએ. એનાથી પોતાને તો લાભ થાય જ, પણ બીજા પણ અનેક જીવોને લાભ થઈ જાય. શ્રીમંતાઈ આદિથી સુખી અને મોટા ગણાતા માણસોને રસ્તામાં આ રીતે સાધુ મહારાજને નમસ્કાર કરતા જોઈને ભદ્રિક લોકોને થાય કે આવા મોટા–સુખી માણસો પણ આમને નમસ્કાર કરે છે. માટે આમનો ધર્મ બહુ જ સારો હશે. આવી પ્રશંસાથી તેઓ બોધિબીજ પામી જાય. શાસ્ત્રમાં એક વાત આવે છે કે આચાર્ય મહારાજ બહાર સ્થંડિલભૂમિએ એકથી વધારે વખત ન જાય. કારણ કે આચાર્ય મહારાજ બહાર જાય એટલે રસ્તામાં દુકાનો વગેરે સ્થળે બેઠેલા જૈનો ઊભા થઈને તેમનો વિનય કરે. હવે જો આચાર્ય મહારાજ વારંવાર બહાર ગમનાગમન કરે તો જૈનો વારંવાર કેટલા ઊભા થવું એવો ભાવ થવાથી ઊભા થઈને વિનય કરવામાં આળસુ બની જાય. એમને એમ થાય કે, આચાર્ય મહારાજ તો વારંવાર આવે છે. અમારે કેટલી વાર ઊભા થવું? આમ થવાથી જૈનેતરો આચાર્ય મહારાજ પ્રત્યે અપ્રીતિવાળા બની જાય એવું બને. તે આ રીતે – શરૂઆતમાં જૈનો આચાર્ય મહારાજને જોઇને ઊભા થતા હતા અને નમસ્કાર કરતા હતા. આ જોઈને કેટલાક ભદ્રિક અને જિજ્ઞાસુ જીવોને આવા મોટા માણસો એમનો વિનય કરે છે માટે એ મહાત્મા છે, માટે ચાલો આપણે તેમની પાસે જઈને ધર્મ સમજીએ, એવો વિચાર આવે. આથી તેઓ આચાર્ય મહારાજ પાસે ધર્મ સમજવા આવતા થઈ જાય. પણ પછી આચાર્ય મહારાજ વારંવાર બહાર આવ–જાવ કરે એથી જૈનો વિનય કરવામાં આળસુ બની જાય. આ જોઈને જે લોકો આચાર્ય મહારાજ પાસે ધર્મ સમજવા આવતા હતા તે લોકો વિચારે કે, આ લોકો હવે આચાર્યનો વિનય કરતા નથી. માટે જરૂર આચાર્ય શિથિલ થઈ ગયા લાગે છે એમ વિચારીને આચાર્ય મહારાજ પાસે આવતા બંધ થઈ જાય. આના ઉપરથી આપણે એ સમજવાનું છે કે શ્રીમંતાઈ આદિથી સારા ગણાતા માણસો જો આ રીતે સાધુઓનો વિનય કરે તો બીજા ભદ્રિક જીવો પણ ધર્મ પામી જાય. માટે સાધુ મહારાજ, પછી ભલે તે દીક્ષાપર્યાયમાં સાવ નાના હોય, કે બહુ ભણેલા ન હોય, સામે મળે તો દરેક જૈને બે હાથ જોડી નમસ્કાર કરવાં જોઈએ. તેમાં પણ શ્રીમંતાઈ આદિથી સારા-સુખી ગણાતા માણસોએ તો ખાસ નમસ્કાર કરવા જોઈએ. મોટા માણસોએ ખાસ નમસ્કાર કરવા જોઈએ
વકીલ, ડૉક્ટર, શેઠ વગેરે જો જૈનધર્મથી ભાવિત બન્યા હોય અને જૈન સાધુ રસ્તામાં મળે ત્યારે કે દૂરથી દેખાય ત્યારે ભાવથી બે હાથ જોડી માથું નમાવી વંદન કરે તો પોતાને તો લાભ થાય, પણ વધારેમાં બીજા પણ અનેક જીવો ધર્મ પામી જાય. વકીલ સાધુને વંદન કરતો હોય તે વખતે બીજો કોઈ તેને પૂછે કે તમે આટલા મોટા વકીલ છો છતાં આ સાધુને વંદન કેમ કરો છો ? તો વકીલ કહે કે હું તમારો વકીલ છું, પણ મારા વકીલ આ સાધુઓ છે. કારણ કે કર્મના અટપટા કાયદાઓ તો એ જ જાણે છે. કર્મની કોર્ટમાં જીત મેળવવા માટે મારે તેમની સલાહ લેવી પડે છે. દુનિયાના કાયદા ભલે હું જાણું છું, પણ અધ્યાત્મના કાયદા તો એ મહાપુરુષો જ જાણે છે. માટે એ અમારા વંદનીય છે. ડૉક્ટર સાધુને વંદન કરતો હોય તે વખતે બીજો કોઈ તેને પૂછે કે તમે આટલા મોટા ડૉક્ટર છો છતાં આ સાધુને વંદન કેમ કરો છો ? તો ડૉક્ટર કહે કે હું તમારો ડૉક્ટર છું પણ મારા ડોક્ટર એ સાધુઓ છે. હું તો માત્ર