________________
શ્રાદ્ધદિનકૃત્ય
બારમું યતિપૃચ્છા દ્વાર
જો આ રીતે પૂછવા માત્રથી આટલો બધો લાભ થાય તો તેમની જરૂરિયાત પૂરી પાડવાથી અતિશય અધિક લાભ થાય એ સહજ છે. આથી પૂછ્યા પછી ગુરુ કોઈ કામ બતાવે તો યાદ રાખીને ચીવટથી ગુરુએ જે કામ જે પ્રમાણે કરવાનું કહ્યું હોય તે કામ તે પ્રમાણે બરોબર કરવું જોઈએ. ઔષધ વગેરેની જરૂર હોય તો સમયસર લાવી આપવું જોઈએ. કોઈ તકલીફ હોય તો દૂર કરવી જોઈએ. દરરોજ આ રીતે પૂછવાથી ક્યારેક ઉત્તમ લાભ મળી જાય. એ લાભ જીવનભર ન ભૂલાય એવું પણ બને. એમની દરરોજ આહાર–પાણીથી ભક્તિ કરવાથી જે લાભ થાય તેના કરતાં અવસરે કોઈ ખાસ કામ હોય તે કરવાથી કદાચ ઘણો અધિક લાભ થઈ જાય. એ જ પ્રમાણે તેમની તેવી કોઈ તક્લીફ દૂર કરવાથી પણ વિશેષ લાભ થઈ જવાની શક્યતા છે. જેમ કે ભગવાન મહાવીર સ્વામીના જીવે નયસારના ભવમાં ભૂલા પડેલા સાધુઓની આહર–પાણીથી ભક્તિ કરીને રસ્તે ચઢાવવામાં સમ્યગ્દર્શન મેળવી લીધું.
175
સાધુને પૂછવાની ટેવ રાખવાથી ક્યારેક ઉત્તમ લાભ મળી જાય
આજે પણ ભક્તિવાળા શ્રાવકો તેવા અવસરે સાધુનું કામ કરીને અપૂર્વ લાભ મેળવી લે છે. જેમ કે, એકવાર સાધુને દવાની જરૂર પડી. સાધુ અધ્યાત્મમાં લીન રહેતા હતા. એટલે દવાની જરૂર હોવા છતાં શ્રાવકો આવે ત્યારે કહેવાનું ભૂલી જાય. આવનારા શ્રાવકો આપને દવા વગેરેની કોઈ જરૂર છે ? એમ કોઈ પૂછે નહિ, અને સાધુને યાદ આવે નહિ. એમ કરતાં ત્રણ-ચાર દિવસો નીકળી ગયા. પછી એક શ્રાવકે તેમને દવાની જરૂરિયાત અંગે પૂછ્યું. આથી સાધુ મહારાજને પોતાને દવાની જરૂર છે એમ યાદ આવ્યું. અને એ શ્રાવકને લાભ આપ્યો. જો ત્રણ-ચાર દિવસ દરમિયાન આવનારા શ્રાવકોમાંથી કોઈએ તેમ પૂછ્યું હોત તો તેમને લાભ મળત. પણ ન પૂછવાથી આ લાભથી વંચિત રહ્યા.
શ્રાવને બહારગામ જવાનું હોય ત્યારે પણ હું બહારગામ અમુક સ્થળે જવાનો છું. ત્યાંનું આપનું કોઈ કામ છે ? એમ પૂછવાથી પણ ક્યારેક ઉત્તમ ભક્તિનો લાભ મળી જાય. આજે ઉપયોગવાળા શ્રાવકો આ રીતે સાધુઓને પૂછે છે, અને અવસરે ઉત્તમ સાધુભક્તિનો લાભ મેળવી લે છે. આમાં ખર્ચનો કે સમય જવાનો પ્રશ્ન નથી. માત્ર ઉપયોગની જરૂર છે. ક્યારેક સાધુને ભણવા માટે પુસ્તક વગેરેની જરૂર હોય, અને શ્રાવકને જ્યાં જવાનું હોય ત્યાંના ભંડારમાંથી કે કોઈ ગૃહસ્થને ત્યાંથી લાવવાનું હોય, અને તેમાં વધારે સમય જાય તેવું પણ ન હોય, તેથી આકામ પૈસાના ખર્ચ વિના અને સમયના ભોગ વિના થઈ શકે. છતાં આમાં લાભ વિશેષ મળે. કારણ કે સાધુનું જે કામ વિશેષ અગત્યનું હોય તે કરવાથી વિશેષ લાભ મળે. આથી શ્રાવકે દરરોજ સાધુને કામ વગેરે માટે પૂછવાની ટેવ રાખવી જોઈએ.
ધર્મસંબંધથી ભક્તિ વિષે એક પ્રસંગ
કેટલાક શ્રાવકો માટે એવું પણ બને છે કે પરિચિત કે ઓળખાણવાળા મહારાજ આવે ત્યારે તેમની પાસે જાય અને કામ વગેરે માટે પૂછે. અપરિચિત કે ઓળખાણ વિનાના સાધુ પાસે જાય પણ નહિ, તો પછી પૂછવાની વાત જ ક્યાં રહી ? આ બરોબર નથી.
આ વિષે એક પ્રસંગ જાણવા જેવો છે. એક સાધુના સંસારી ભાઈએ તે સાધુને ૩૦૦ રૂપિયાની પસમીનાની કામળી વહોરાવવા માંડી. સાધુએ વહોરવાની ના પાડી. સંસારીભાઈએ પૂછ્યું: કેમ ના પાડો છો ? સાધુએ કહ્યું: વહોરવાથી તને ખાસ લાભ નહિ થાય માટે ના પાડું છું. સંસારીભાઈએ પૂછ્યું: સાધુને વહોરાવવાથી લાભ ન થાય? સાધુએ હ્યું: સાધુને વહોરાવવાથી તો બહુ લાભ થાય. સાધુને ૩૦૦ રૂપિયાની આવી કામળી તો ઠીક,