________________
લલિતવિસ્તરા ભાગ-૨ | સંકલના
માટે જ હું તીર્થંકરોની અને તીર્થંકરોના બતાવેલા માર્ગની સ્તુતિ કરીને તેના પ્રત્યે ભક્તિવાળો થાઉં છું, તે પ્રકારનું પ્રતિસંધાન થાય છે, ત્યારપછી આસન્ન ઉપકારી વીર ભગવાનની સ્તુતિ કરાય છે, તેથી તેમને આશ્રયીને કૃતજ્ઞતા ગુણનું સ્મરણ થાય છે અને તેમની સ્તુતિ પણ ભાવનાપ્રકર્ષથી મોક્ષફળને આપનાર છે તેમ સ્મરણ કરાય છે, જેથી વિવેકી મહાત્માને પ્રસ્તુત ચૈત્યવંદન ભાવનાપ્રકર્ષથી તત્ક્ષણ મોક્ષનું કારણ છે તેવો સ્પષ્ટ નિર્ણય થાય છે અને તે ભાવનાપ્રકર્ષ માટે જ મહાત્માઓ ફરી ફરી ચૈત્યવંદન કરીને સુવિશુદ્ધ ચૈત્યવંદનની શક્તિનો સંચય ક૨વા યત્ન કરે છે.
વળી ચોથી સ્તુતિ વૈયાવચ્ચ કરનારા દેવોની કરાય છે; કેમ કે સમ્યગ્દષ્ટિ એવા તે દેવો માર્ગમાં પ્રવૃત્તિ ક૨ના૨ા જીવોને મોક્ષમાર્ગની પ્રવૃત્તિમાં અતિશય યત્ન કરાવવામાં પ્રબળ કારણ બને છે. વળી, તે દેવો સમ્યગ્દષ્ટિ છે અને તેઓમાં દેવભવકૃત વિશિષ્ટ શક્તિ છે અને તે દેવો ચૈત્યવંદન કરનારાને ક્વચિત્ સાક્ષાત્ સહાય ન કરે, તોપણ ઉચિત સ્થાને કરાયેલી ઉચિત પ્રાર્થના પોતાના શુભ અધ્યવસાયથી યોગમાર્ગની પ્રવૃત્તિમાં વિઘ્નોના શમનમાં પ્રબળ કારણ છે. તેથી ચોથી સ્તુતિ દ્વારા સાધુઓ અને શ્રાવકો તે દેવોની પણ સ્તુતિ કરે છે અને ચૈત્યવંદનના અંતે જયવીયરાય સૂત્ર બોલાય છે જેમાં સંક્ષેપથી સંપૂર્ણ યોગમાર્ગના પ્રયત્ન માટે અપેક્ષિત ભાવોની ઇચ્છા કરાય છે, તેથી જે મહાત્મા તે ભવનિર્વેદ આદિ ભાવો કેવા ઉત્તમ ભાવોવાળા છે અને સદ્ગુરુનો યોગ અને તેનું પારતંત્ર્ય પ્રાપ્ત થવા માટે પોતાનામાં કેવી યોગ્યતા જોઈએ તેનું રહસ્ય પ્રસ્તુત ગ્રંથથી જાણશે અને તે પ્રમાણે તે ભાવો પ્રત્યે અત્યંત પક્ષપાત થાય તે રીતે જગદ્ગુરુ પાસે તેની યાચના કરશે. તેના ફળરૂપે તે મહાત્માને જન્મજન્માંત૨માં કઈ રીતે બોધિનાં બધાં અંગો પૂર્ણ પ્રાપ્ત થાય છે અને તેના બળથી તે મહાત્મા સુખપૂર્વક સંસારસાગરને તરે છે તેનું વિસ્તૃત વર્ણન ગ્રંથકારશ્રીએ કર્યું છે, તેથી જે મહાત્મા પ્રસ્તુત ગ્રંથને નિપુણતાપૂર્વક જાણશે અને જાણ્યા પછી તેના ભાવોથી આત્માને અત્યંત ભાવિત ક૨શે અને જે સ્થાનોનો બોધ દુષ્કર છે તે સ્થાનો ગીતાર્થ પાસેથી જાણીને તે ભાવોને સેવવામાં સમ્યગ્ યત્ન કરશે તે મહાત્મા અવશ્ય અલ્પભવમાં સંસારનો અંત ક૨વા સમર્થ બનશે, માટે પોતાની શક્તિને ગોપવ્યા વગર ચિંતામણિથી અધિક એવા ચૈત્યવંદન સૂત્ર છે અને તેના અર્થને પ્રકાશન કરનારી લલિતવિસ્તરા વૃત્તિ છે તેનો યથાર્થ બોધ ક૨વા અને પુનઃ પુનઃ ભાવન ક૨વા શક્તિ અનુસાર પ્રસ્તુત ગ્રંથમાં સર્વ પ્રકારે યત્ન કરવો જોઈએ, જેનાથી સર્વ કલ્યાણની પ્રાપ્તિ થાય.
છદ્મસ્થપણામાં જિનેશ્વર પરમાત્માની વાણીથી વિપરીત કે ગ્રંથકારશ્રીના આશયથી વિરુદ્ધ કાંઈ લખાયું હોય તેનું ત્રિવિધે ત્રિવિધે મિચ્છા મિ દુક્કડં.
વિ. સં. ૨૦૬૯, આસો સુદ-૧૦,
તી. ૧૪-૧૦-૨૦૧૩, સોમવાર. ૩૦૨, વિમલવિહાર, સરસ્વતી સોસાયટી,
પાલડી, અમદાવાદ-૭.
ફોન : ૦૭૯-૩૨૪૪૭૦૧૪
(
(5)
(筑
-
• પ્રવીણચંદ્ર ખીમજી મોતા