________________
ગુજરાતનું ઘડતર
૯
શેલની બીજી બાજુએ કોતરેલો છે તેમાં મહાક્ષત્રપ રુદ્રદામાની પ્રશસ્તિ સંસ્કૃત સાહિત્યમાં ઉચ્ચ શૈલીના ગદ્યના પ્રાચીન નમૂના તરીકે જાણીતી છે. ક્ષત્રપ રાજાઓના સેંકડો સિક્કા મળ્યા છે. એમાં સિક્કા પડાવનાર રાજાનું પૂરું નામ આપવામાં આવતું. રુદ્રસિંહ-પહેલાના સમયથી એમાં વર્ષ આપવામાં આવતું. આ પરથી આ રાજાઓની વંશાવલી તથા સાલવારી બંધ બેસાડવામાં ઘણી સરળતા રહી છે. છેલ્લા રાજા રુદ્રસિંહ-ત્રીજાના સિક્કા શક વર્ષ ૩૨૦ (ઈ. ૩૯૮-૯૯) સુધીના મળ્યા છે. આમ ક્ષત્રપાલ ગુજરાતના પ્રાચીન ઇતિહાસમાં ત્રણસોથી વધુ વર્ષનો સમય રોકે છે.
આ કાળ દરમ્યાન ગુજરાતમાં પાદલિપ્તાચાર્ય, વજભૂતિ આચાર્ય, આર્ય નાગાર્જુન, સિદ્ધસેન દિવાકર, મલવાદી વગેરે જૈન વિદ્વાનો થયા, જેમની કૃતિઓમાં તરંગવતી કથા, સન્મતિતર્ક, ન્યાયાવતાર અને દ્વાદશારનયચક્ર નોંધપાત્ર છે. ઈ.૩૦૦ના અરસામાં મથુરામાં આર્ય સ્કંદિલે ને વલભીમાં આર્ય નાગાર્જુને જૈન આગમોની વાચના તૈયાર કરી. મલવાદી તાર્કિકોમાં અગ્રિમ સ્થાન ધરાવે છે. બૌદ્ધ આચાર્ય સ્થિરમતિ અને ગુણમતિએ વલભીની નજીકના વિહારમાં રહી પોતાના પ્રસિદ્ધ ગ્રંથ રચ્યા. પહેલા કે બીજા સૈકામાં દુર્ગાચાર્યે જંબુસરમાં નિરુક્ત પર ટીકા લખી ને ચોથા સૈકામાં વલભીના સ્કંદસ્વામીએ ટ્વેદભાષ્ય લખ્યું. જ્યોતિષી લાટદેવ (ત્રીજી સદી) લાટદેશના વતની લાગે છે.
રાજકીય લખાણોમાં પ્રાકૃતને સ્થાને સંસ્કૃતનો ઉપયોગ થવા લાગ્યો. બ્રાહ્મી લિપિના અક્ષર વધારે મરોડદાર બન્યા ને એના પર નાની શિરોરેખા ઉમેરાઈ.
ધર્મમાં તીર્થસ્થાન, દાન અને પૂર્તધર્મનો મહિમા મનાતો. દાનમાં કન્યાદાન, ગ્રામદાન, સુવર્ણદાન તથા ગોદાનનું માહાભ્ય ગણાતું. મનુષ્યોના પરિચયમાં ગોત્ર મહત્ત્વ ધરાવતું. શક જાતિના શાસકો પણ શેવ તથા બૌદ્ધ ધર્મ અપનાવતા.
પ્રભાસમાં સોમશર્માએ સોમસિદ્ધાંત પ્રવર્તાવ્યો. એ શિવના સત્તાવીસમા અવતાર મનાયા. “સોમનાથની ઉત્પત્તિ એમના નામ પરથી થઈ લાગે છે. ડભોઈ પાસે આવેલા કારવણમાં નકુલીશ કે લકુલીશ નામે આચાર્ય થયા તે શિવના અઠ્ઠાવીસમા અવતાર મનાય છે. ભગવાન રુદ્ર ત્યાં એક મૃત બ્રહ્મચારીની લકુલ કાયામાં અવતર્યા તેથી એ સ્થાન “કાયાવરોહણ કહેવાયું એમ મનાય છે. નકુલ/લકુલ એટલે લકુટ(દંડ). લકુલીશના સ્વરૂપમાં એમના એક હાથમાં લકુટ ધારણ કરેલો હોય છે. લકુલીશને વાસુદેવના સમકાલીન ગણાવ્યા છે, પરંતુ તેઓ ખરેખર બીજા શતકમાં થયા જણાય છે. ભગવાન લકુલીશે પાશુપત સંપ્રદાય પ્રવર્તાવ્યો, એ દેશભરમાં પ્રસર્યો. એમને ચાર શિષ્ય હતા. કુશિક, ગર્ગ, મિત્ર અને કુરુષ. તેઓમાંથી અનુક્રમે કૌશિક, ગાર્ગ્યુ, મૈત્ર અને કૌરુષ્ય શાખા થઈ.
પાલીતાણા પાદલિપ્તસૂરિની સ્મૃતિ જાળવે છે. શત્રુંજય, ઉજ્જયંત(ગિરનાર),