________________
ધર્મસંગ્રહ ભાગ-૧ / સંકલના તે જીવોને અવશ્ય તે રીતે જીવન જીવવાના મનોરથો થાય છે. જેનાથી તેઓમાં તે તે પ્રકારની માર્ગાનુસારી નિર્મળ મતિ પ્રગટે છે અને જે જીવોમાં જેટલા અંશથી ઉચિત પ્રવૃત્તિ કરાવે તેવી માર્ગાનુસારી બુદ્ધિ છે તે સમ્યક્તને સન્મુખ પરિણામવાળી છે અને સમ્યક્ત પામેલ જીવોમાં અવશ્ય તેવી માર્ગાનુસારી મતિ હોય જ છે અને વિશેષ પ્રકારના શ્રાવકધર્મને સેવનારા જીવો પણ જેમ શ્રાવકોના આચારોને સેવે છે તેમ પ્રસ્તુતમાં બતાવેલ સામાન્ય ગૃહસ્થધર્મને પણ સ્વશક્તિ અનુસાર સેવે જ છે; કેમ કે સામાન્ય ગૃહસ્થધર્મ આલોકમાં પણ અનિંદિત ઉચિત પ્રવૃત્તિ સ્વરૂપ છે અને આલોક-પરલોકના હિતને વ્યાઘાત ન કરે તે પ્રકારે ઉચિત આચરણા સ્વરૂપ છે. આ પ્રકારનો સામાન્ય ગૃહસ્થ ધર્મ પ્રસ્તુત ગ્રંથમાં વર્ણન કરાયેલ છે તેનું જેઓ પુનઃ પુનઃ ભાવન કરે છે તેઓ ક્વચિ કર્મદોષને કારણે કોઈક પ્રકારની વિપરીત પ્રવૃત્તિ કરતા હોય તોપણ તેવા ધર્મને સેવવાના તેઓને મનોરથો થાય છે. તે સર્વ મનોરથો નિર્મળ મતિનું કારણ બને છે અને જેઓ સમ્યક્ત પામ્યા નથી તેવા જીવો પણ પ્રથમ અધિકારમાં બતાવેલ સામાન્ય ગૃહસ્થધર્મનું સેવન કરીને સમ્યક્તને સન્મુખ બને છે અને તેવા જીવો જ સમ્યક્તના સ્વીકારપૂર્વક વિશેષ પ્રકારના ગૃહસ્થ ધર્મને સેવવા માટે સમર્થ બને છે.
ધર્મસંગ્રહ ભાગ-૧ શબ્દશઃ વિવેચનમાં ગ્રંથકારશ્રીના આશય વિરુદ્ધ કે પૂજ્ય ઉપાધ્યાય મહારાજના આશય વિરુદ્ધ કાંઈ પણ ક્ષતિ થઈ હોય તે બદલ મિચ્છા મિ દુક્કડે માંગું છું.
- પ્રવીણચંદ્ર ખીમજી મોતા
આસો સુદ-૧૦, વિ. સં. ૨૦૧૭, તા. ૬-૧૦-૨૦૧૧, ગુરુવાર ૩૦૨, વિમલવિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૭. ફોન : ૦૭૯-૩૨૪૪૭૦૧૪