________________
ધર્મસંગ્રહ ભાગ-૧ | સંકલના
ધર્મસંગ્રહ શબ્દશઃ વિવેચન ભાગ-૧ના સંકલના
દુર્ગતિથી પડતા જીવને ધારણ કરે અને સદ્ગતિમાં સ્થાપન કરે તથા ઉત્તરોત્તર સુખની વૃદ્ધિ દ્વારા પૂર્ણ સુખની પ્રાપ્તિનું કારણ બને તે ધર્મ છે. આવો ધર્મ ચિત્તમાં ઉત્પન્ન થતો જીવનો પરિણામ છે અર્થાત્ જીવનો વર્તમાન ક્ષણમાં વર્તતો તત્ત્વને અનુકૂળ પરિણામ છે. આવા ધર્મને પ્રગટ કરવાનું કારણ બને તેવા ઉચિત અનુષ્ઠાનને પણ ઉપચારથી ધર્મ કહેવાય છે. આવા ધર્મના સ્વરૂપનો સંગ્રહ ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત ગ્રંથમાં કરેલ છે માટે ‘ધર્મસંગ્રહ' એ પ્રમાણે ગ્રંથનું નામ આપેલ છે.
વળી તે ધર્મ સામાન્યથી બે પ્રકા૨નો છે :- (૧) ગૃહસ્થધર્મ અને (૨) સાધુધર્મ. વળી ગૃહસ્થધર્મ પણ બે પ્રકારનો છે. (૧) સામાન્ય ગૃહસ્થધર્મ અને (૨) વિશેષ ગૃહસ્થધર્મ. તેમાંથી સામાન્ય ગૃહસ્થધર્મનું વર્ણન પ્રસ્તુત ગ્રંથના પ્રથમ અધિકા૨માં ગ્રંથકારશ્રીએ કરેલ છે, જેના વાંચન-ચિંતનમનનથી વિવેકીજીવને બોધ થાય છે કે સંસારમાં વર્તમાનના ભવમાં પણ ક્લેશના પરિહારપૂર્વક સુખમય જીવન જીવવાનો ગૃહસ્થનો ઉચિત વ્યાપાર તે ધર્મ છે. ગૃહસ્થને અર્થોપાજન વગર જીવનવ્યવસ્થા સંભવે નહિ તેથી આલોકમાં અને પરલોકમાં ક્લેશ ન થાય તે રીતે ધન અર્જન કરે તે સામાન્ય ગૃહસ્થધર્મ છે. આલોકમાં ક્લેશ અલ્પ થાય અને પરલોકમાં અહિત ન થાય તે પ્રકારે સદ્ગૃહસ્થે જીવનમાં સર્વ પ્રવૃત્તિઓ કરવી જોઈએ અને તે પ્રકારે પ્રવૃત્તિ કરવા અર્થે શું શું ઉચિત કૃત્યો ક૨વા જોઈએ, જેથી પ્રાપ્ત થયેલો મનુષ્યભવ વર્તમાનમાં સુખનું કારણ બને અને આગામી ભવોના સુખની પરંપરાનું કારણ બને તેનો વિસ્તારથી બોધ કરાવવા અર્થે પ્રથમ અધિકા૨માં સામાન્ય ગૃહસ્થધર્મનું વર્ણન કરેલ છે.
વળી, ધન અર્જન કરવું, લગ્ન કઈ રીતે કરવા, ગૃહનિર્માણ કઈ રીતે કરવું તે સર્વ કૃત્યો ધર્મરૂપ નથી તેમ સામાન્ય વિચારકને જણાય છતાં તેવા જ સર્વ કૃત્યોને પ્રસ્તુત ગ્રંથમાં સામાન્ય ગૃહસ્થધર્મ તરીકે કહેલ છે, તેથી વિચારકને જિજ્ઞાસા થાય કે સંસારના તે તે કૃત્યોને સામાન્ય ગૃહસ્થધર્મ કેમ કહેલ છે ? તેની સ્પષ્ટતા પૂજ્ય મહોપાધ્યાયશ્રી યશોવિજયજી મ.સા.ની ટિપ્પણી મૂકીને ગ્રંથકારશ્રીએ કરેલ છે, જેને નિપુણ પ્રજ્ઞાપૂર્વક વાચકવર્ગે વાંચવી જોઈએ જેથી સંસારના પણ વિવેકપૂર્વકના કૃત્યો આલોકના અને પરલોકના હિતનું કારણ બને છે તેને ધર્મ કહેવાય છે તેનો માર્ગાનુસા૨ી બોધ થાય છે.
વળી, જે જીવો સ્વાભાવિક નિર્મળ મતિવાળા છે તે જીવો પ્રાયઃ પ્રસ્તુતમાં વર્ણન કરેલ સામાન્ય ગૃહસ્થધર્મને જ સેવવાના પરિણામવાળા હોય છે. ક્વચિત્ બોધના અભાવને કા૨ણે તે પ્રકારે સામાન્ય ગૃહસ્થધર્મ સેવતા ન હોય તોપણ પ્રસ્તુત ગ્રંથમાં વર્ણન કરેલ સામાન્ય ગૃહસ્થધર્મના વર્ણનને વાંચીને