Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
અધ્યયન-૮ : આમુખ
પાસે અધ્યયન કરતો. તેને એક દાસીની પુત્રી ભોજન પીરસતી. તે હસમુખા સ્વભાવની હતી. કપિલ ક્યારેક-ક્યારેક તેની સાથે ગમ્મત કરી લેતો. દિવસો વીત્યા, તેમનો સંબંધ ગાઢ બની ગયો. એક વાર દાસીએ કપિલને કહ્યું—તું મારું સર્વસ્વ છે. તારી પાસે કંઈ પણ નથી. જીવન-નિર્વાહ માટે મારે બીજાઓને ઘરે રહેવું પડે છે, નહીંતર તો હું તારી આજ્ઞામાં જ રહેત.’
આ રીતે કેટલાક દિવસો વીત્યા. દાસી-મહોત્સવનો દિવસ નજીક આવ્યો. દાસીનું મન ખૂબ ઉદાસ બની ગયું. રાતે તેને ઊંઘ ન આવી. કપિલે તેને કારણ પૂછ્યું. તેણે કહ્યું–‘દાસી-મહોત્સવ આવી ગયો છે. મારી પાસે ફૂટી કોડી પણ નથી. હું કેવી રીતે મહોત્સવ ઊજવું ? મારી સખીઓ મારી નિર્ધનતા પર હસે છે અને મને તિરસ્કારની નજરે જુએ છે.' કપિલનું મન ખિન્ન થઈ ગયું. તેને પોતાના અપુરુષાતન પર ગુસ્સો આવ્યો. દાસીએ કહ્યું--તું આવી રીતે ધીરજ ગુમાવ નહિ. સમસ્યાનું એક સમાધાન પણ છે. આ જ નગરમાં ધન નામનો એક શેઠ રહે છે. જે વ્યક્તિ પ્રાતઃકાળમાં સૌથી પહેલાં તેને વધામણી આપે છે તેને તે બે માસા સોનું આપે છે. તું ત્યાં જા . તેને વધામણી આપી બે માસા સોનું લઈ આવ. એનાથી હું પૂર્ણપણે ઉત્સવ ઉજવી શકીશ.'
ઉત્તરયણાણિ
૨૨૬
કપિલે તે વાત માની લીધી. કોઈ માણસ પોતાની પહેલાં પહોંચી ન જાય એમ વિચારી તે તરત ઘરેથી ચાલી નીકળ્યો. રાત્રિનો સમય હતો. નગર-રક્ષકો આમ-તેમ ફરી રહ્યા હતા. તેમણે તેને ચોર સમજી પકડ્યો અને સવારમાં પ્રસેનજિત રાજા
પાસે રજૂ કર્યો. રાજાએ તેને રાતે એકલા રખડવાનું કારણ પૂછ્યું. કપિલે સ૨ળ સ્વભાવના કારણે સાહિજકપણે બધો વૃત્તાંત કહી દીધો. રાજા તેની સ્પષ્ટવાદિતા ઉપર ઘણો પ્રસન્ન થયો અને બોલ્યો-‘બ્રાહ્મણ ! આજ હું તારા પર બહુ જ પ્રસન્ન છું. તું જે કંઈ માગીશ તે તને મળશે.’ કપિલે કહ્યું-‘રાજન્ ! મને વિચારવા માટે થોડો સમય આપો.’ રાજાએ કહ્યું--‘ભલે.’
કપિલ રાજાની આજ્ઞા લઈ અશોકવાટિકામાં ગયો. ત્યાં તેણે વિચાર્યું-બે માસા સોનાથી શું વળશે ? કેમ હું સો સોનામહોરો ન માગું ?' ચિંતન આગળ વધ્યું. તેને સો સોનામહોરો પણ તુચ્છ લાગવા લાગી. હજાર, લાખ, કરોડ સુધી તેણે ચિંતન કર્યું પરંતુ મન ભરાયું નહિ. સંતોષ વિના શાંતિ ક્યાં ? તેનું મન ખળભળી ઊઠ્યું. તેને તત્ક્ષણ સમાધાન મળી ગયું. મન વૈરાગ્યથી ભરાઈ ગયું. ચિંતનનો પ્રવાહ બદલાયો. તેને જાતિ-સ્મૃતિ-જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. તે સ્વયં-બુદ્ધ બની ગયો. તે પોતાના કેશનું લંચન કરી પ્રફુલ્લ વદને રાજા પાસે પાછો ફર્યો. રાજાએ પૂછ્યું–‘શું વિચાર્યું ? જલ્દી કહે.’ કપિલે કહ્યું-‘રાજન્ ! સમય વીતી ચૂક્યો છે. મારે જે કંઈ મેળવવું હતું તે મેળવી લીધું છે. તમારી બધી વસ્તુઓ મને તૃપ્ત કરી શકી નથી. પરંતુ તેમની અનાકાંક્ષાએ મારો માર્ગ પ્રશસ્ત કર્યો છે. જ્યાં લાભ છે ત્યાં લોભ છે. જેમ-જેમ લાભ વધતો જાય છે તેમ તેમ લોભ પણ વધતો જાય છે. બે નાસા સોનાની પ્રાપ્તિ માટે ઘરેથી નીકળ્યો હતો પરંતુ કરોડમાં પણ મારું મન ધરાયું નહિ. તૃષ્ણા અનંત છે. તેની પૂર્તિ વસ્તુઓની પ્રાપ્તિથી નથી થતી, તે થાય છે ત્યાગથી, અનાકાંક્ષાથી.’
રાજાએ કહ્યું-બ્રાહ્મણ ! મારું વચન પૂરું કરવાની મને તક આપ. હું કરોડ સોનામહોર પણ આપવા માટે તૈયાર છું.’ કપિલે કહ્યું–‘રાજન ! તૃષ્ણાનો અગ્નિ હવે શાંત થઈ ગયો છે. મારી અંદર કરોડથી પણ અધિક મૂલ્યવાન વસ્તુ પેદા થઈ ગઈ છે. હું હવે કરોડનું શું કરું ?' મુનિ કપિલ રાજા પાસેથી દૂર ચાલ્યા ગયા. સાધના ચાલતી રહી. તે મુનિ છ મહિના સુધી છદ્મસ્થ અવસ્થામાં રહ્યા.
રાજગૃહ અને કૌશામ્બીની વચ્ચે ૧૮ યોજનનું એક મહા અરણ્ય હતું. ત્યાં બલભદ્ર પ્રમુખ ઇક્કડદાસ જાતિના પાંચસો ચોર રહેતા હતા. કપિલ મુનિએ એક દિવસ જ્ઞાનબળથી જાણી લીધું કે તે બધા ચોર એક દિવસ પોતાની પાપકારી પ્રવૃત્તિને છોડીને સંબુદ્ધ બની જશે. તે બધાને પ્રતિબોધ દેવા માટે કપિલ મુનિ શ્રાવસ્તીથી નીકળી તે મહાઅટવીમાં આવ્યા. ચોરોના જાસૂસે તેમને જોઈ લીધા. તે તેમને પકડી પોતાના સેનાપતિ પાસે લઈ ગયો. સેનાપતિએ તેમને શ્રમણ સમજીને છોડી દેતાં કહ્યું-‘શ્રમણ ! કંઈક સંગાન સંભળાવો.’ શ્રમણ કપિલે હાવભાવપૂર્વક સંગાન શરૂ કર્યું. ‘‘અને અસામિ, સંસાનિ દુવાવડા.....''—આ ધ્રુવપદ હતું પ્રત્યેક શ્લોકની સાથે આ ગાવામાં આવતું. ત્યાં ઉપસ્થિત બધા ચોર ‘ઝવે સાયંમિ'નું સહ-સંગાન કરતાં-કરતાં તાળીઓ પાડવા લાગ્યા. તેમના વડે આ પઘનું પુનરુચ્ચારણ થઈ ગયું ત્યારે કપિલે આગળના શ્લોકો કહ્યા. કેટલાક ચોર પ્રથમ શ્લોક સાંભળતાં જ સંબુદ્ધ બની ગયા, કેટલાક બીજો સાંભળતાં, કેટલાક ત્રીજો, કેટલાક ચોથો વગેરે સાંભળીને. આ રીતે પાંચસો ચોર પ્રતિબુદ્ધ બની ગયા. મુનિ કપિલે તેમને દીક્ષા આપી અને તેઓ બધા મુનિ બની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org