Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
સ્ત્રીઓ હતી. પહેલી સતી શિરોમણી દેખાવે તેમ નામે સુદર્શના, અ ને બીજી શીલરૂપી ગુણરત્નની ઉત્કૃષ્ટ ભૂમિ પ્રિયદર્શના. વળી સુદર્શનાને, જાણે સ્વર્ગ થકી પૃથ્વીપર અશ્વિનીકુમાર ઉતરી આવ્યા હોય નહીં એવા (૧) ગુણોરૂપી રત્નોના સાગર સાગરચંદ્ર અને (૨) જ્યેષ્ટભ્રાતા પ્રત્યે પૂજ્યભાવ દર્શાવનાર અને ઉત્તમ મુનિઓના ઉપદેશને પાળનાર મુનિચંદ્ર નામના બે પુત્રો હતા. બીજી પ્રિયદર્શનાને પણ પ્રધુમ્ન સમાન રૂપવાન બે પુત્રો હતા; એક સૂર્યમંડળના જેવો અત્યંત તેજસ્વી ગુણચંદ્ર, અને બીજો શુકલપક્ષના ચંદ્રમાં જેવો રક્તમંડળવાળો બાલચંદ્ર.
રાજાએ પહેલા પુત્ર સાગરચંદ્રને હર્ષસહિત યુવરાજપદ આપ્યું હતું; કારણ કે સદ્ગુણી જ્યેષ્ટ પુત્રને રડતો મૂકીને નાનાને ક્યાંય અપાતું નથી. વળી મુનિચંદ્રકુમારને ગરાસમાં અવંતિકા નગરી આપી હતી. અથવા તો સ્વામીના યોગ્ય દાનને કોઈ પણ કદાચિત્ ઉલ્લંઘન કરતું નથી. આ પ્રમાણે ઉત્તમ કુટુંબીજનોથી પરિવરેલો અને મહાન્ રાજ્યલક્ષ્મીએ સંયુક્ત એવો નરપતિ ધર્મ, અર્થ અને કામની ઉપાર્જના ને વિષે કાળ નિર્ગમન કરતો હતો.
એકદા માઘમાસમાં એક રાત્રિએ પ્રબળ ધર્મવાસનાવાળા એ રાજા પાપકર્મનો નાશ કરવાની ઈચ્છાથી પોતાના મહેલને વિષે મુનિની જેમ કાયોત્સર્ગે રહ્યો; ને મનમાં એવો નિશ્ચય કર્યો કે “જ્યાં સુધી આ દીપક બળ્યા કરશે ત્યાંસુધી હું કાયોત્સર્ગ નહીં પારું; કારણ કે બીજે રસ્તે આ જગતમાં સિદ્ધિ નથી.” થોડા વખતમાં પ્રથમ પહોરની સમાપ્તિને સુચવવા વાળી ઘડી વાગી તે જાણે તેના અનેક કર્મરૂપી દુશ્મનોના મસ્તક પરજ વાગી હોય નહીં ! એવામાં દીપકમાં તેલ થઈ રહેવા આવ્યું તેથી તેનો
૧. દેખાવમાં સુદર્શના=રૂપવતી. ૨. સૂર્યની સ્ત્રી અશ્વિનીનો પુત્ર. એઓ અત્યંત રૂપવાન હતા. ૩. એ નામનો શ્રીકૃષ્ણનો એક પુત્ર. ૪. ચન્દ્રપક્ષે, રક્ત (લાલ-રતાશ પડતું) છે મંડળ (બિંબ) જેનું. કુમારપક્ષે, રક્ત (પ્રીતિવાળું) છે મિત્રમંડળ જેનું એવો. (અલંકાર શ્લેષ). ૫. કમાણી. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ: આ ચાર મનુષ્ય-જીવનના ચાર મુખ્ય હેતુઓ-પુરુષાર્થ છે.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨)
૧૮