Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
અધિક વેગે માર્ગ કાપતો નલગિરિ હસ્તિ જાણે મહાસાગરનું ફરી વખત મંથન કરવા પ્રવૃત્ત થયેલો મંદરાચળ પર્વત હોય નહીં એવો જણાતો હતો. બહુ ઝડપથી ચાલતાં વત્સરાજ, યૌવનાવસ્થાના વર્ષની સંખ્યાના આંકડા જેટલાં અર્થાત પચ્ચીસ યોજન ગયો હશે ત્યાં તો નલગિરિ એની લગોલગ આવી પહોંચ્યો. એટલે મહાપ્રવીણ અને બુદ્ધિશાળી વત્સરાજે વેગમાં ચાલ્યા આવતા એ હસ્તિને રોકવાને માટે, પોતાની હાથણીની બાજુમાં બાંધેલી મૂત્રની ઘટિકાઓમાંથી એકને છોડી, પોતાની આપત્તિને જ ભાંગી નાખતો. હોય એમ, પૃથ્વી પર પછાડી ભાંગી નાખી. એમાંથી મૂત્ર નીકળ્યું તે સુંઘવા હાથી ઊભો રહ્યો. ઉપર સવાર થયેલા રક્ષકોએ એને પ્રહાર કર્યો પરંતુ ખસ્યો નહીં. કેમકે ધણીનું કામ બગડતું હોય એ પશુઓ શું જાણે ?
જ્યારે આર અંકુશ વગેરેનો અને સારી રીતે સ્વાદ ચખાડ્યો ત્યારે જ મહા મહેનતે પુનઃ આગળ ચાલ્યો. કારણકે વહાણ ભલેને ઘણું ભારે હોય તો પણ નાવિકો એને ગમે તેમ કરીને પણ ચલાવ્યા વિના રહેતા નથી.
બહુ વેગથી ચાલતાં છતાં પણ પચ્ચીસ યોજનનો પ્રવાસ થયો ત્યારે જ તે હાથણીની નજદીક પહોંચ્યો. કારણકે એક પગલું પણ આગળ હોય છે તે સો પગલાંની મુસાફરીમાં પણ આગળ ને આગળ જ રહે છે. આ વખતે પણ પૂર્વની પેઠે વત્સરાજે મૂત્રની એક ઘટિકા જમીન પર ફેંકીને ફોડી નાખી; અને તેની સાથે શત્રુ રાજાના સુભટોની આશા પણ ફોડીનષ્ટ કરી. એટલે હાથી પૂર્વની પેઠે મૂત્રની અશુચિ સુંગવામાં નિમગ્ન થયો તે જાણે એમ સૂચવવાને કે મનુષ્ય માત્ર મારી જેમ અશુચિમાં જ નિમગ્ન રહે છે. એ અલ્પકાળ ત્યાં રોકાયો એટલામાં તો કરિણી (હાથણી) હરિણીની જેમ ઝડપથી દૂર નીકળી ગઈ. અથવા તો પ્રદેશ ખાડાખડીઆ. વિનાનો સપાટ હોય, અને પ્રવાસિની કુશળ હોય, તો એકસો યોજના કરતાં પણ વિશેષ આગળ નીકળી જાય. ત્રીજીવાર પણ એટલી જ યોજનને પ્રવાસે હાથી હાથણીની નજીકમાં આવ્યો. અથવા તો પર્વત પરથી પડતી. નદીના પ્રવાહને આવી પહોંચતાં કેટલીક વાર લાગે ? વત્સરાજે તક્ષણ ત્રીજી ઘટિકા ફેંકી ફોડી નાખી; કારણકે ચતુર પુરુષો, જે વ્યાપારમાં પોતે લાભ સાક્ષાત જોયેલો છે તે વ્યાપાર શા માટે શરૂ ન રાખે ?
૧૩૮
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨)