Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
શોભતી, હરિણો જેવાં ચંચળ નયનોવાળી પેલી બે રૂપવતી વેશ્યા સુતા પર એકદા રસ્તેથી જતા મહીપતિની દષ્ટિ પડી. એ વખતે એમણે પણ ક્ષણવાર રાજા તરફ કટાક્ષપૂર્વક જોયું; તે જાણે એ કહેવાનું હોય નહીં કે ધર્મને નામે છળકપટ કરીને કોઈનું હરણ કરવું એ તો શકય છે; પણ કામદેવના છળકટાક્ષથી એવું કોઈ કરી શકે એમ છે ? એ રૂપસુંદરીઓના કટાક્ષબાણોથી વીંધાયેલા રાજા એમનું જ ચિંતવન કરતો પોતાનું મંદિર ગયો. ત્યાં જઈને એણે એમની પાસે પોતાની એક દાસીને મોકલી. કહ્યું છે કે, શું રાજા કે શું રંક- કોઈ કામના પંજામાંથી બચ્યા નથી.
- દાસીએ આવીને એ બંનેને સંબોધીને કહ્યું-પૂર્ણિમાના ચંદ્રમાં સમાન મુખવાળી, અને મૃગબાળાના જેવા નેત્રોવાળી તમારા જેવીની સાથે રાજાનો દષ્ટિમેળ થયો છે ત્યારથી જ તેના ગાત્ર કામદેવરૂપ ગ્રીષ્મઋતુના મધ્યાહ સૂર્યથી અત્યંત તપી ગયાં છે, માટે તમે શીઘ આવીને તમારા પૂર્ણિમાના ચંદ્રમા સમાન અમૃતમય અંગો વડે એને શીતળતા પમાડો. આવાં મિષ્ટ છતાં દોષિત વચનો સાંભળી બંને વેશ્યાપુત્રી અસત્ય કોપ દર્શાવી એને કંઠદેશે પકડી કહેવા લાગી-અરે દુષ્ટ ! અધમ નારી ! આવાં અયુક્ત વાક્યો અમારી પાસે કહેતાં તને લજ્જા નથી આવતી ? આવું ધર્મ વિરુદ્ધ દૂતીનું કાર્ય કરવા આવી છો તો અમારી દષ્ટિથી દૂર જા. અમારા જેવી નિઃસ્પૃહ સ્ત્રીઓને મન તારો ભૂપતિ તૃણ માત્ર પણ નથી.
- દાસીએ જઈને વાતનું સ્વરૂપ રાજાને કહી સંભળાવ્યું, પણ એમ તો એનો રાગ સવિશેષ દઢ થયો; જેમ બજારમાં કંઈ વસ્તુ ખરીદ કરવા. જનારા ના-ના કહે છે તેમ વેચનાર વસ્તુનું મૂલ્ય ચઢાવતો જાય છે તેમ. રાજાએ તો દાસીને કહ્યું-એ કાર્ય તારે જ કરવાનું છે. તું પુનઃ ત્યાં જઈશ એટલે નિશ્ચયે કાર્ય સિદ્ધિ થવાનો જ માટે મારો આ દુઃખમાંથી ઉદ્ધાર કર. કેમકે જનોનો અંધકારમાંથી ઉદ્ધાર કરવાને સૂર્યની પ્રભા જ સમર્થ છે. આ પરથી દાસી વળતે દિવસે જઈ કહેવા લાગી-ઈન્દ્રદેવના સમાન વિભૂતિવાળો આ પ્રધોતરાજા તમારે માટે ઉત્સુકતા ધરાવે છે, માટે તમો ઉભય તો આ જગતમાં પૂરાં ભાગ્યશાળી ગણાઓ. માટે સમજીને મારું કહ્યું કરો અને તમારા પર આદરભાવ દર્શાવનાર પ્રત્યે તમે પણ પ્રેમ
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ આઠમો)
૧૪૫