Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
દિવસે જ અભયકુમાર એને ઉપડાવી નગર મધ્યે થઈ ચાલી નીકળ્યો. પ્રદ્યોતરાજાએ બહુ બહુ બૂમો પાડી કહ્યું-અરે ! હું પ્રધોતરાજા છું; મને શત્રુ ઉપાડી જાય છે. પણ લોકો તો કહેવા લાગ્યા-અરે ! આ વખતે એવો કોઈ અહીં છે કે જે સદા આવું બોલ્યા કરનારના મુખને વિષે ધૂળા નાખે ? આ ઉન્મત્ત તો નિત્ય ભસી ભસીને આપણા કાન ખાઈ ગયો. એણે તો આપણા રાજા સાથે કોઈક જાતનું વેર શોધ્યું છે. અભયકુમારે પણ લોકોને કહ્યું–મને પણ એણે બહુ દિવસ પર્યન્ત દુ:ખ દીધું છે. આજે હવે એને આકરું ઔષધ આપું છું કે જેથી હવે પછી એ કાંઈ લવારો કરે નહીં. આ પ્રમાણે રાજગૃહીનગરના રાજપુત્રે પોતાની માસીનો પતિ થતો. હતો એવા રાજાના પણ મદનું મર્દન કર્યું-માનભંગ કર્યો. અથવા તો એમાં શું ? સો દિન સાસુના, તો એક દિન વહુનો પણ આવે.
પછી એક સ્થળે પૂર્વ સંકેત પ્રમાણે તૈયાર રાખેલા, અત્યંત વેગવાળા અશ્વો જોડેલા રથમાં નાખીને પ્રદ્યોતરાજાને અભયકુમાર પોતાના રાજગૃહ નગર પ્રત્યે લાવ્યો. કહ્યું છે કે આજે આપણે કોઈને રડાવીએ તો વળતે દિવસ તે આપણને રડાવે. ત્યાં લાવીને, સંધિરૂપી ધરીને ધારણ કરવામાં ઉત્તમ ધોરી સમાન–આવા અભયકુમારે એને પોતાના પિતાસમક્ષ હાજર કર્યો; જેવી રીતે કોઈ ગુનેગારનો જામીન થઈને એને છોડાવી ગયેલા વ્યક્તિ પેલા ગુનેગારને વખતસર હાજર કરે છે તેમ.
પ્રદ્યોતચંદ્ર રાજાને જોઈ શ્રેણિકરાયને, એણે અભયને બંધિવાસમાં રાખ્યો હતો એ વાતનું સ્મરણ થયું, તેથી એ ક્રોધાયમાન થઈ ખડગ ખેંચી એની સન્મુખ દોડ્યો; કેમકે રાજાઓમાં નીતિની વિચારણા અલ્પ હોય છે. પણ અખિલ નીતિશાસ્ત્રના રહસ્યનો જ્ઞાતા એવો અભયકુમાર ત્યાં હતો એણે આદરપૂર્વક પિતાને વિજ્ઞાપના કરી કે-પિતાજી ! એ આપણો શત્રુ છે એ વાત ખરી છે; પણ એ અત્યારે આપણે ઘેર આવ્યો છે, માટે એક સહોદરની જેમ આપણા આતિથ્યને યોગ્ય છે-આપણે એનો સત્કાર કરવો જોઈએ.
આવાં અભયકુમારનાં વિવેકભર્યા વચનો શ્રવણ કરી, સર્વ પ્રકારની સંપત્તિમાં કુબેર સમાન-એવા શ્રેણિકરાયે પ્રદ્યોતચંદ્રને સન્માનપૂર્વક અનેક અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ આઠમો)
૧૪૯