Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
તાપસોને આશ્રમે ગઈ. ત્યાં જઈ નિર્ણય ચિત્તે એણે તાપસીને વંદન કર્યું. કારણકે એવા તાપણો સૌ કોઈને વિશ્વાસના સ્થાનરૂપ જ હોય છે. સ્વભાવથી જ કરૂણાળ એવા તાપસોએ પણ, આ કોઈ બિચારી આપણી પાસે રક્ષણાર્થે. આવેલી છે એમ માની, એને કહ્યું-વત્સ ! કોઈનો પણ ભય રાખીશ નહીં; અહીં સ્વસ્થ મને રહે. કારણકે સાગરને વિષે પેસી ગયેલા એવા પર્વતોને શક-ઈન્દ્ર પણ કશું કરી શકતો નથી. હાથણીએ પણ પિતાને ઘેર રહેતી હોય એમ નિર્ભયપણે આનંદમાં રહેતા ત્યાં નિર્વિઘ્નપણે એક બચ્ચાંને જન્મ આપ્યો. એ તનયને પછી તાપસોને સોંપી એ પાછી વનમાં ગઈ; જેવી રીતે સારા માણસને પોતાના ઉત્તમ રત્ન સોંપી લોક દેશાન્તરે જાય છે એમ. વળી ત્યાંથી વચ્ચે વચ્ચે આવીને બચ્ચાંને સ્તનપાન પણ કરાવી જતી; કેમકે માતાને પુત્રસ્નેહ સમુદ્રની જેમ હુસ્તર છે !
આશ્રમમાં પણ મુનિઓ સલ્લકીના પત્રો, કોમળ ઘાસ તથા સુપકવા ડાંગર આદિથી એનું પોષણ કરતા; જેવી રીતે પક્ષીઓ માળામાં બચ્ચાંને નિરંતર કણે કણે પોષે છે તેમ. આ પ્રમાણે તાપસોએ લાડકોડમાં ઉછરેલો એ હસ્તિકલભ અનુક્રમે વૃદ્ધિ પામ્યો, તે જાણે એમનો સાક્ષાત કાળ જ (વૃદ્ધિ પામ્યો) હોય નહીં ! પછી તે મુનિ-કુમારોની સાથે આનંદથી ક્રીડા. પણ કરવા લાગ્યો, કેમકે ક્રીડા, એકસાથે રહેતાવસતા હોય એમની છે; એક જ જાતિના હોય એ જ સાથે ક્રીડા કરે એવું કંઈ નથી. આશ્રમના તાપસી પોતે વાવેલા વૃક્ષોને પોતાના પ્રિય પુત્રો હોય નહીં એમ ગણીને નિરંતર જળસિંચન કરતા તે જોઈને હસ્તિકલભ પણ સર્વદા સૂંઢમાં જળ. ભરી ભરીને એ વૃક્ષોને સિંચતો. એમ એને નિરંતર સિંચતો જોઈ મુનિઓએ એનું “સેચનક' એવું યથાર્થ નામ પાડ્યું. એ સેચનકે અનુક્રમે તરૂણાવસ્થા પ્રાપ્ત કરી એટલે તો એ અત્યંત મદોન્મત્ત થયો. અથવા તો યુવાવસ્થામાં માનવો પણ ક્યાં મત્ત નથી થતા ?
એક વખત એ સ્વેચ્છાએ ભમતો ભમતો ગંગા નદીને તીરે પહોંચ્યો. કેમકે પાંખ આવ્યા પછી પક્ષીઓ પણ કયાં માળામાં બેસી રહે છે ? એ વખતે એનો પિતા પણ જાણે પોતાના અપત્યોની હત્યારૂપ પાપકર્મથી આકર્ષાઈ આવ્યો હોય એમ ક્યાંયથી ત્યાં આવી ચઢ્યો. તે ક્ષણે કોપના આવેશને
૧૭૨
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨)