Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
રત્ના નામની મહાપતિવ્રતા સ્ત્રી હતી. એમને પ્રસન્નાદિત્ય નામનો એક પુત્ર હતો. પણ આ જીવલોકમાં કઈ વસ્તુ નિશ્ચળ છે ? એકદા પ્રચંડ પવનને લીધે દીપક બુઝાઈ જાય છે એમ સૂરાદિત્યનો જીવન-પ્રદીપ બુઝાઈ ગયો-એ મૃત્યુ પામ્યો. એટલે વિપત્તિમાં આવી પડેલી એની સ્ત્રી ખાંડવુંપીસવું–જળભરવું-લીંપવું આદિ પરગૃહના કાર્યો કરવા લાગી. એનો પુત્ર પણ લોકોના વાછરૂ ચરાવવા જવા લાગ્યો; કારણકે વિદ્યાવિહીન બાળકોને એવી જ રીતે ઉદરનિર્વાહ કરવો પડે છે. એકદા નગરમાં લોકોએ ક્ષીરભોજન-ઉત્સવ કર્યો; કારણકે કૃપણલોકો પણ એનો ઉપભોગ લઈ શકે છે. પોતાના સમાન વયના બાળકોને ક્ષીરભોજન કરતાં જોઈને પુત્રે માતાને કહ્યું-આ બાળકો આવું સ્વાદિષ્ટ ક્ષીરનું ભોજન જમે છે તો મને પણ એવું આપ.
બાળપુત્રનું એવું બોલવું સાંભળીને પતિની સંપત્તિનું સ્મરણ થવાથી રત્ના તો રૂદન કરતી, સાક્ષાત દુઃખના કણ હોય નહીં એવાં અશ્રુ સારતી કહેવા લાગી-હે પુત્ર ! તું મારી પાસે ક્ષીરભોજન માગે છે. એ શૂન્ય ઘરમાં શીરો લાપશી ખોળવા જેવું કરે છે ! આપણને મહાકષ્ટ હૅશ મળે છે, અને તે પણ વખત બે વખત મળે છે. તો તને ક્ષીર ક્યાંથી આપું ? આ લોકો પુણ્યવાન હોઈ એવું ઉત્તમ ભોજન જમે છે એમાં આપણા જેવા દુર્ભાગીને શું ? પણ એટલામાં કોઈ પાડોશીની સ્ત્રીઓએ આવીને પૂછ્યું, બેન ! તારો પુત્ર શા માટે રૂદન કરે છે તે અમને યથાસ્થિત કહે એટલે રત્નાએ ઉત્તર આપ્યો-ભલી વ્હેનો ! એને ક્ષીર ખાવી છે. બાળક શું જાણે કે અમારો કેવી રીતે માંડમાંડ નિભાવ થાય. છે ? રત્નાનાં વચન સાંભળીને એ સ્ત્રીઓને જે ગાઢ દુઃખ થયું તે દુઃખને લીધે જ જાણે, ગુણશાળી-લાયકાતવાળા મનુષ્યોની સંખ્યા અલ્પ થઈ ગઈ છે ! જુઓ, પારકાના ગુણોને જાણનારા બહુ અલ્પ છે, ઉત્તમ કાવ્યકારો પણ અલ્પ છે; સાધારણ ધનવાનો પણ અલ્પ છે અને “પારકે દુઃખે દુઃખી' એવા પણ અલ્પ છે.
પેલી સ્ત્રીઓએ કહ્યું- બ્લેન, મુંઝાઈશ નહીં. તારા પુત્રના સર્વ મનોરથો અમે પૂર્ણ કરશું. એમ કહીને એને કોઈએ ગોળ આણી આપ્યો,
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ નવમો)
૨૧૧