Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
દ્રવ્ય અનેક ધર્મસ્થાનોમાં વ્યય થતાં છતાં, વિદ્યાની જેમ વધતું જ ગયું. પુષ્કળ દ્રવ્ય ખરચી એણે, પોતાને પ્રતિબોધ આપનાર કેવલી મહાત્માના મૂર્તિમાન પ્રસાદ હોય નહીં એવાં પ્રાસાદ પણ બંધાવ્યાં. વળી પુનઃ ભવભ્રમણના પ્રસંગે ઉપસ્થિત ન થાય એટલા માટે એણે ત્રણ ચાર શ્રાવકોને સંગાથમાં રાખી દેવદ્રવ્ય-સંબંધી નામ ઠામું સાચવ્યું; એક કૃપણ માણસ પોતાના દ્રવ્યનું રક્ષણ કરે એમ બીજા વિચક્ષણોની સાથે રહીને, લેશ પણ હાનિ ન પહોંચે એમ, એનું નિશદિન રક્ષણ કર્યું અને ગુણશ્રેણિએ આરોહણ કરનારો અંશ અંશ વધારતો જાય એમ એ યોગ્ય રીતે વધારતો ગયો. જેનું શુભ ધ્યાન વૃદ્ધિ પામતું રહ્યું છે એવા આ શ્રેષ્ઠીપુત્ર સંકાશે, સન્મનિ ચારિત્ર યાવજીવ પાળે છે એમ પોતાનો અભિગ્રહ માવજીવ પાળ્યો. પ્રાંતે નિર્મળ ચિત્તે આરાધના કરી, મણિદર્પણ સમાન નિર્મળએવો સંકાશનો આત્મા દેવલોકે ગયો.
દેવદ્રવ્યનો ઉપભોગ કર્યાથી સંકાશ શ્રાવકે દુઃખનાં ઓઘ અનુભવ્યા છે–એ વાત સ્મરણમાં રાખીને હે ભવ્યજીવો ! તમે કદિ એવું કરશો નહીં. જ્ઞાન, દર્શન અને ચારિત્રની વૃદ્ધિ અને શાસનની ઉન્નતિ કરનારાદેવદ્રવ્યની રક્ષા કરનાર અ૫ભવમાં મોક્ષ પ્રાપ્ત કરે છે; અને એ દ્રવ્યમાં વૃદ્ધિ કરનારો તીર્થંકર પદ મેળવે છે. માટે વિવેકી ભવ્ય શ્રાવકોએ દેવને અર્થે વિશેષ વિશેષ દ્રવ્ય આપ્યા કરવું; અને પોતાનું જ હોય એમ એની નિત્ય રક્ષા તથા વૃદ્ધિ કર્યા કરવી.
આ પ્રમાણે જિનેશ્વરે કહેલો પોતાનો પૂર્વભવ સાંભળીને કૃતપુણ્ય અને એની સ્ત્રીઓને જાતિસ્મરણ જ્ઞાન થયું; અને એમનો સંસાર પરથી મોહ જતો રહ્યો. એટલે ત્રિજગતગુરુ-ભગવાન પાસે કૃતપુણ્ય વિજ્ઞપ્તિ કરી કે-તમે પ્રભુ કેવળજ્ઞાનરૂપી દીપકથી લોકાલોકને જાણો છો; તમે જે જે કહ્યું તે સર્વ સત્ય છે. કેમકે તમારા પ્રસાદથી અમને પણ જાતિસ્મરણ થયું છે તેથી હું પણ મારો પૂર્વભવ મારો પોતાનો હાથ જોતો હોઉં એમ જોઈ શકું છું. પાશમાં રહેલ હરિણ અકળાઈ જાય એમ હું હવે સંસારમાં રહી રહીને અકળાઈ ગયો છું માટે મને સંસારત્યાગરૂપ દીક્ષા આપીને અનુગ્રહિત કરો.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ નવમો)
૨૨૩