Book Title: Abhaykumar Mantrishwar Jivan Charitra Part 02
Author(s): Motichand Oghavji, Satyasundarvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
સફળ વસ્તુ છે એમ કહી આદરપૂર્વક ચંદ્રને એક આભૂષણ આપ્યું. પણ પછી ઉત્સવ પૂરો થયો ત્યારે એ લોભી ચન્દ્રે એ આભૂષણ ભદ્રને પાછું આપ્યું નહીં. અથવા તો ‘દ્રવ્ય મતિવિભ્રમનું કારણ છે' એ કથન સત્ય જ છે. ભદ્ર, ચંદ્રને એ પરથી કહ્યું-ભાઈ ચંદ્ર ! ઘણા દિવસ થયા, તો હવે પેલું આભૂષણ મને પાછું આપ.
પણ દ્વિતીયાના ચંદ્રમા જેવા કુટિલ ચંદ્રે પોતાની મતિથી કલ્પના ઉપજાવી કાઢીને ઉત્તર આપ્યો કે “મેં રાત્રે ભયને લીધે તારું આભૂષણ ગોમયના પિંડમાં સંતાડ્યું હતું પણ ત્યાંથી એ કોઈ ચોરી ગયું છે ! કારણકે તસ્કરો સાહસમાં પૂરા પ્રવીણ હોય છે.” ભદ્ર તો ચંદ્રનું કહેવું સાંભળીને બહુ વિષાદ પામ્યો કે અહો ! આણે તો મને વગર અસ્ત્રે મૂંડી નાખ્યો ! એની એવી ધૃષ્ટતા છે. તે પરથી જણાય છે કે એ મને આભૂષણ પાછું આપવાનો નથી. તલમાં કેટલું તેલ છે એ મેં જોઈ લીધું ! પણ મિત્રની સાથે દ્રવ્યસંબંધી લેણદેણ થતી નથી. ત્યાં સુધી જ મિત્રાઈ નભે છે. દ્રવ્યની લેણદેણ થતાં જ, ગુણવાન એવા પણ મિત્રની મૈત્રી ધનુષ્યપરથી બાણ છૂટે છે એમ છૂટી જાય છે. તો પણ કોમળ શબ્દોથી કહેતા એ માને તો માને; કારણકે ગાય પણ એની પીઠ પર ધીમેથી હાથ ફેરવીએ છીએ તો દોહવા દે છે. એમ વિચાર કરીને ભદ્રે ચંદ્રને કહ્યું“ભાઈ ! હવે મશ્કરી પડતી મૂક, ને આભૂષણ આપી દે. તું ચંદ્રમા જેવો સૌમ્ય છો, સવૃત્ત છો, અને શીતળ છો એવો જ રહે. એની જેમ તારા આત્માને પરદ્રવ્ય હરણરૂપી કલંકથી કલંકિત ન કર.”
પણ પ્રપંચી ચન્દ્રે તો કુટિલતા ન ત્યજતાં કહ્યું કે-હે મિત્ર જો મેં
૧. ભદ્રનો મિત્ર ચંદ્ર કુટિલ અને પટી; બીજનો ચંદ્રમા કુટિલ એટલે ઓળાયા જેવો વાંકો. ૨. ગુણવાન (મિત્ર) =સદ્ગુણી; ગુણવાન (ધનુષ્ય)=ગુણ-દોરી-પ્રત્યંચા ચઢાવેલું.
૩. ચંદ્રમા સૌમ્ય એટલે સોમ-ચંદ્રમાં-ના ગુણોવાળો, કળા (સોળ કળાઓ)નો નિધિ, પિતા-બુધને-આનંદ આપનારો, અને સવૃત્ત એટલે ગોળાકાર. ભદ્રનો મિત્ર ચંદ્ર સૌમ્ય એટલે નમ્ર, કળાનિધિ એટલે ચાતુર્યનો ભંડાર, બુધ એટલે વિદ્વાનોને આનંદ આપનાર, અને સવૃત્ત એટલે ચારિત્રવાન.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ નવમો)
૨૧૫